Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

૧૫૦ શાળાઓએ હજુય ફી અંગે દરખાસ્ત રજૂ કરી નથી

સુપ્રીમના આદેશ બાદ ખાનગી શાળાઓ પર તવાઈઃ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માત્ર બે સપ્તાહનો સમય : હાલ ફી ન ભરવા વાલીમંડળની અપીલ

અમદાવાદ,તા.૧૩: રાજ્ય સરકારે ફી નિર્ધારણ વિધેયકની જોગવાઇ કરી હોવા છતાં કાયદો ઘોળીને પી જનારી સંખ્યાબંધ ખાનગી શાળાઓ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભીંસમાં આવી છે. ઉદ્દગમ, સત્ત્વ વિકાસ, આનંદ નિકેતન જેવી મોટી ગણાતી શાળાઓએ હજુ સુધી એફઆરસી સમક્ષ પોતાની ફી અંગેની દરખાસ્ત જ રજૂઆત કરી નથી., જેને પગલે હવે સુપ્રીમકોર્ટના આદેશ બાદ આવી સ્કૂલો પર ગાળિયો કસાયો છે. બીજીબાજુ, જયાં સુધી ફી નક્કી ના થાય ત્યાં સુધી વાલીઓને ફી નહી ભરવા વાલીમંડળ તરફથી જાહેર અપીલ કરાઇ છે. અત્રે નોંધનીય છે કે, એફઆરસી દ્વારા આવી ૧પ૦ જેટલી શાળાઓને ગત અઠવાડિયે જ ત્રીજી વારની પોતાની ફી અંગેની દરખાસ્ત શાળાઓને રજૂ કરવા માટે નોટિસ આપી છે. અત્યાર સુધી ૧પ૦ જેટલી શાળાઓએ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી નથી. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હોઇને કમિટી પણ કોઇ પગલાં લઇ શકતી ન હતી. હવે સરકાર આવી શાળાઓ સામે શાં પગલાં લેશે તેની વિચારણા કરી રહી છે. એફઆરસીનાં સૂત્રોનાં જણાવ્યાનુસાર જે શાળાઓએ તેમની સમક્ષ દરખાસ્ત કે એફિડેવિટ હજુ સુધી રજૂ કરી નથી તેવી શાળાઓ હવે ૧૪ દિવસની મુદતમાં દરખાસ્ત રજૂ કરશે તે અપૂરતી હોવાની પણ શક્યતા છે. રાજ્યભરમાં૧૮૦૦ શાળાઓએ હજુ સુધી ફી કમિટી સમક્ષ કોઇ દરખાસ્ત રજૂ કરી નથી. જેમાં અમદાવાદ જિલ્લાની ૭૭ પ્રાથમિક શાળાઓનો પણ સમાવેશ થાય છે. ગઇકાલે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન દરખાસ્તનો મુદ્દો રજૂ થયો હતો. સુપ્રીમ કોર્ટે જે શાળાઓએ હજુ સુુધી કમિટી સમક્ષ દરખાસ્ત કરી નથી તેમને દરખાસ્ત કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. ત્યારબાદ બીજા ૧પ દિવસમાં કમિટી તેની કામગીરી પૂરી કરશે એક મહિનામાં તમામ શાળાઓની ફી નક્કી થઇ જવાની શક્યતા છે. શહેરની ઉદ્દગમ સ્કૂલ, સત્ત્વ વિકાસ સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને એશિયા સ્કૂલ સહિત કુલ ૧પ૦થી વધુ શાળાઓ હજુ એફઆરસી સમક્ષ ગઇ નથી. જેને પગલે આ સ્કૂલો સહિતની અન્ય ખાનગી શાળાઓ પર પણ હવે કાનૂની સકંજો કસાયો છે ત્યારે બીજી તરફ વાલી મંડળે પણ આવી શાળાઓની ફી નક્કી ન થાય ત્યાં સુધી વાલીઓને ફી નહીં ભરવા માટે જાહેર અનુરોધ કર્યો છે.

(9:42 pm IST)