Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વર્ચ્યુઅલ રિયાલિટી મારફતે પણ રથયાત્રાનું પ્રસારણ થશે

શ્રધ્ધાળુ ભકતો માટે વોડાફોનની નવી પહેલઃ ડિજિટલ એક્સપિરિયન્સ પ્લેટફોર્મ પર ગુજરાત રાજ્યમાં રથયાત્રાને પ્રથમવાર જીવંત રીતે માણવાની શ્રદ્ધાળુને તક

અમદાવાદ,તા.૧૩: ગુજરાતીઓ ખાસ કરીને અમદાવાદીઓ અમદાવાદમાં યોજાતાં વાર્ષિક રથયાત્રા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. આ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગે અમદાવાદ અને રાજ્યમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથનાં દર્શન કરવા અને રથયાત્રામાં સામેલ થાય છે. ચાલુ વર્ષે ગુજરાતનું પસંદગીનું ટેલીકોમ નેટવર્ક વોડાફોન ઇન્ડિયા ગુજરાતનાં રહેવાસીઓ માટે રથયાત્રાને નજીકથી નિહાળવા અને ભગવાનનાં જીવંત દર્શન કરવાની સુવિધા આપવા પોતાનાં વોડાફોન સુપરનેટ ૪જી નેટવર્ક અને શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. અમદાવાદમાં શિવરંજની અને સ્ટેડિયમ વિસ્તારમાં સ્થિત વોડાફોનનાં સ્ટોરમાં ખાસ રથયાત્રા ઝોન ઊભા કરવામાં આવ્યો છે.  વોડાફોનનાં સ્ટોરમાં જે શ્રદ્ધાળુઓ રથયાત્રાનો ૩૬૦ લાઇવ વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ લેવા ઇચ્છતાં હોય, તેમને વીઆર હેડસેટ કે મોબાઇલ ઉપકરણો આપવામાં આવશે, જેની મારફતે તેઓ રથયાત્રાનું જીવંત પ્રસારણ નિહાળી શકશે એમ અત્રે વોડાફોન ઇન્ડિયાનાં ગુજરાત સર્કલનાં બિઝનેસ હેડ અભિજિત કિશોરે જણાવ્યું હતું. આ જ પ્રકારે જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રામાં ૧૪ કિલોમીટરની નગરચર્યા કરીને પુણ્ય પવિત્ર મંદિર કે નિજ ધામમાં પરત ફરે છે, ત્યારે તેમની એક ઝાંખી મેળવવા શ્રદ્ધાળુઓની સંખ્યા અકલ્પનીય સ્તરે પહોંચી જાય છે. બાળકો, વયોવૃદ્ધ શ્રદ્ધાળુઓ અને વિકલાંગો માટે તકેદારીનાં ભાગરૃપે વોડાફોને જગન્નાથ મંદિરનાં મુખ્ય પ્રવેશદ્વાર નજીક વીડિયો એક્સપિરિયન્સ ઝોન ઊભો કર્યો છે, જે પવિત્ર મંદિરની અંદર ભગવાનનાં દર્શન ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે કરાવશે. વીડિયો એક્સિપિરિયન્સ ઝોનની લગોલગ મોટી એલઇડી સ્ક્રીન મૂકવામાં આવી છે, જેમાં ૩૬૦ વીડિયોનું પ્રસારણ પણ થશે, જેમાં મુલાકાતીઓ તેમની ઇચ્છા મુજબ રિવાઇન્ડ કે ફોરવર્ડની સુવિધાનો લાભ લઈ શકે છે. વોડાફોન ઇન્ડિયાનાં ગુજરાત સર્કલનાં બિઝનેસ હેડ અભિજિત કિશોરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં રથયાત્રાનાં પુણ્ય પાવન પ્રસંગે ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઉમટી પડે છે. આ પ્રસંગે વોડાફોન ઇન્ડિયાએ અમારાં વોડાફોન સુપરનેટ ૪જી નેટવર્ક અને વૈશ્વિક ટેકનોલોજી કુશળતાનો ઉપયોગ કરીને કેટલીક પહેલ હાથ ધરી છે, જેનો લાભ પહેલી વાર રથયાત્રામાં શ્રદ્ધાળુઓને મળશે. તેની પાછળનો ઉદ્દેશ અમારાં ગ્રાહકોની સાથે ગુજરાતનાં રહેવાસીઓ અને ભગવાન જગન્નાથનાં ભક્તોને આ શાનદાર અને ભવ્ય રથયાત્રાનો શ્રેષ્ઠ આધ્યાત્મિક અનુભવ આપવાનો છે. જેમ જેમ પવિત્ર રથયાત્રા તેનાં ૧૮ કિલોમીટરનાં તેનાં પૂર્વનિર્ધારિત માર્ગ પર આગળ વધશે, તેમ તેમ અમારાં ગ્રાહકોને શહેરમાં પસંદગીનાં વોડાફોન સ્ટોર્સ પર વર્ચ્યુઅલ રિયાલિટી મારફતે લાઇવ દર્શનનો અનુભવ મેળવવાનો લ્હાવો મળશે. અમે તમામ નાગરિકોને બાળકો, વયોવૃદ્ધો અને વિકલાંગતા ધરાવતા પરિવારનાં સભ્યોની ખાસ કાળજી રાખવાની અપીલ કરીએ છીએ, કારણ કે રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. બાળકો, વૃદ્ધો અને વિકલાંગો મંદિરનાં પ્રવેશદ્વાર નજીક વોડાફોનનાં વીડિયો એક્સપિરિયન્સ ઝોન અને એલઇડી સ્ક્રીન પરથી ભગવાન જગન્નાથનાં જીવંત ઓડિયો વિઝ્યુઅલ દર્શન કરી શકશે તથા મંદિરની અંદર જ ઊભા હોવાની લાગણી અનુભવી શકશે. વોડાફોન ગુજરાતનાં તમામ રહેવાસીઓ માટે રથયાત્રા મહોત્સવ આનંદદાયક અને સલામત બની રહે એવી શુભેચ્છા પાઠવે છે.

(9:40 pm IST)