Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ગજરાજો ભગવાનના દર્શન અને રથયાત્રા પ્રસ્થાન કરાવવા તૈયાર

ભગવાનના સૌથી પહેલા દર્શન ગજરાજો જ કરે છે : રથયાત્રા વેળા ૧૮ હાથણી, ૧ હાથી સહિત ૧૯ ગજરાજ સૌથી આગળ : ઝુ, વનવિભાગ સહિતની પાંચ ટીમો રહેશે

અમદાવાદ, તા.૧૩ : શહેરની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રામાં ગજરાજોનું સવિશેષ મહત્વ છે. આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા નીકળનાર છે ત્યારે ગજરાજો મેડિકલી ફીટ અને બધી રીતે તૈયાર થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી ગજરાજોની ચાલતી મેડિકલ તપાસ અને ચકાસણી આખરે પૂર્ણ થઇ ગઇ છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને રથમાં બિરાજમાન કરાય તે પછી ભગવાનના સૌથી પહેલા દર્શન ગજરાજોને કરાવાય છે. ગજરાજો ભગવાનના દર્શન કરી લે તે પછી જ રથયાત્રાની પ્રસ્થાનવિધિ શકય બને છે. ગજરાજ એ ગણપતિદાદાનો સાક્ષાત્ અવતાર છે અને તેથી જ રથયાત્રા નિર્વિધ્ન રીતે પૂર્ણ થાય તે હેતુથી ગજરાજોને રથયાત્રામાં સૌથી આગળ રાખવામાં આવે છે. આવતીકાલની રથયાત્રામાં ૧૮ હાથણી અને એક હાથી સહિત કુલ ૧૯ ગજરાજો સામેલ હશે. ગજરાજોને અંકુશમાં રાખવા અને કોઇ અનિચ્છનીય પરિસ્થિતને પહોંચી વળવા કાંકરિયા ઝુ, ઇન્દ્રોડા પાર્ક- વનવિભાગ, જૂનાગઢ ઝુ સહિતની પાંચ ટીમો પણ ગજરાજોની સાથે રહેશે. કાંકરિયા ઝુના સુપ્રિટેન્ડન્ટ આર.કે.સાહુએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઇ ગજરાજોનું ખાસ તબીબી પરીક્ષણ કરવામાં આવતું હોય છે. કાંકરિયા ઝુના ડોકટર અને રાજયના પશુપાલન વિભાગના ડોકટર્સ દ્વારા રથયાત્રામાં જોડાનાર તમામ ગજરાજોનું તબીબી પરીક્ષણ કરાયું છે અને તમામ ગજરાજ મેડિકલી ફીટ જણાયા છે. ગજરાજોના તબીબી પરીક્ષણમાં તેમનું ફિઝિકલી અને મેન્ટલી એમ બંને રીતે તપાસ કરવામાં આવતી હોય છે. ફિઝિકલીમાં એ તપાસાય છે કે, રથયાત્રાના આટલા લાંબા રૂટમાં તે સળંગ અને સતત ચાલી શકશે કે કેમ, તે પગથી લંગડાતો તો નથી ને, તેના પગમાં કોઇ સોજા કે અન્ય કોઇ બિમારી તકલીફ તો નથી ને વગેરે બાબતોની તબીબી તપાસ થતી હોય છે. જયારે માનસિક તપાસમાં હાથી રથયાત્રા દરમ્યાન લાખોની જનમેદની જોઇ ભડકી જાય તેમ તો નથી ને અને કોઇ પર હુમલો કરે તેવી શકયતા તો નથી ને વગેરે બાબતો ચકાસાતી હોય છે. આ માટે ગજરાજોનું પ્રેશર, ટેમ્પ્રેચર પણ મપાતુ હોય છે. જો કે, તબીબી પરીક્ષણમાં તમામ ગજરાજો મેડિકલી ફીટ જણાયા છે. ડો.સાહુએ ઉમેર્યું કે, આવતીકાલે રથયાત્રામાં કાંકરિયા ઝુની છ સભ્યોની ટીમ, પશુપાલન વિભાગની છથી આઠ સભ્યોની ટીમ, વનવિભાગની પાંચથી છ સભ્યોની ટીમ, ઇન્દ્રોડાની ત્રણથી ચાર સભ્યોની ટીમ અને જૂનાગઢ ઝુની ચારથી પાંચ સભ્યોની ટીમ ગજરાજો માટે સાથે ને સાથે રહેશે. જો કોઇ સંજોગોમાં હાથી બેકાબૂ બને તો તેને અંકુશમાં લેવા માટે ટ્રાન્ક્વીલાઇઝર ગન સાથે રાખવામાં આવતી હોય છે, જે ગન કાંકરિયા ઝુ, ઇન્દ્રોડા અને જૂનાગઢ ઝુની ટીમ પાસે જ હોય છે. ઉપરોકત પાંચેય ટીમોમાં નિષ્ણાત ડોકટરો અને અધિકારીઓ સામેલ હશે.

ગજરાજોને શણગારાયા

         અમદાવાદ, તા.૧૩ : રથયાત્રામાં ગજરાજો સૌનું આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે કારણ કે, એકસાથે આટલા ગજરાજો અન તે પણ સુુંદર શણગારેલા નગરજનોને રથયાત્રાના દિવસે જ જોવાનો લ્હાવો મળતો હોય છે. જેને લઇ ગજરાજોના શણગારનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. રથયાત્રાને લઇ ગજરાજોની સૂંઢ, કાન, માથે અને ઉદરના ભાગો પર સુંદર અને ડિઝાઇનવાળા ચિત્રો દોરી સુશોભિત કરાયા છે. સાથે સાથે તેઓને અંબાડી અને માથાથી લઇ ખાસ મોટા ટીકા અને અન્ય શૃંગાર કરી પણ ગજરાજોના સુંદર સાજ-શણગાર કરાયા છે.

(8:19 pm IST)
  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST

  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST

  • રાજકોટના શાપર -વેરાવળમાં ભારે વરસાદને કારણે 150 લોકો પાણીમાં ફસાયા ;તંત્રએ તમામને સહી સલામત સ્થળે ખસેડાયા :વહીવટી તંત્રએ તમામ માટે ભોજન વ્યવસ્થા કરી access_time 11:26 pm IST