Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સરસપુરની પોળોમાં સવા લાખથી વધુ શ્રદ્ધાળુ જમશે

હજારો સાધુ-સંતો માટેનો ભંડારો યોજાયો : રથયાત્રિકો માટે રસોડાની તડામાર તૈયારીઓ : મેનુમા દાળ-ભાત, બે પ્રકારના શાક, ફુલવડી, બુંદી, મોહનથાળ

અમદાવાદ, તા.૧૩ : આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા શહેરમાં નીકળનાર છે ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં જબરદસ્ત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રથયાત્રાના દિવસે સરસપુરમાં નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો,મહંતો સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસોઇની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તમામ પોળોના રસોડાઓ ધમધમી રહ્યા છે. બીજીબાજુ, રથયાત્રા પહેલાં ગઇકાલે સરસપુરની વાસણશેરીમાં ભલાભગતના રણછોડજી મંદિર ખાતે હજારો સાધુ-સંતો માટે વિશાળ ભંડારનું આયોજન કરાયું હતું. જેમાં આગંતુક સાધુ-સંતોને પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, શીરો-પૂરી જમાડી તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરાયું હતું. આ અંગે ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજી અને જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રામાં ભાગ લેવા માટે અયોધ્યા, હરદ્વાર, ચિત્રકુટ, કાશી, વૃંદાવન, દ્વારકા-સોમનાથ, નાસિક સહિતના દેશના જુદા જુદા ખૂણાઓથી હજારો સાધુ-સંતો આવ્યા છે. રથયાત્રાના બે દિવસ પહેલા ગઇકાલે દોઢક હજારથી વધુ સાધુ-સંતો માટે સરસપુરની વાસણશેરીમાં વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું. સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરિમા મુજબ દાન-દક્ષિણા આપી સન્માન કરાયું હતું.  તેમણે ઉમેર્યું હતું કે, રથયાત્રાના દિવસે રથયાત્રામાં આવનાર શ્રધ્ધાળુ ભકતો, સાધુ-સંતો, મંહતો, સ્વયંસેવકો, રથયાત્રિકો સહિત સૌકોઇ માટે વર્ષોથી પરંપરા મુજબ, સરસપુરની નવથી વધુ પોળોમાં જમવાની વ્યવસ્થા કરાતી હોય છે. આ માટે હાલ આ તમામ પોળોમાં રસોઇ બનાવવાનો રસોડાનો ધમધમાટ પૂરજોશમાં છે. સૌથી મોટુ રસોડુ લવાર શેરી, વાસણ શેરીનું હોય છે. આ સિવાય સાળવી વાડ, પડિયાની પોળ, ગાંધીની પોળ, લીમડા પોળ, પીપળા પોળ, આંબલી વાડ(પાંચા વાડ), કડિયાવાડ, તડિયાની પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રિકો માટે ખાસ કરીને મહિલાઓ-બહેનો અને યુવતીઓ છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવી રહી છે, તો પુરૂષવર્ગ તેમને આ સેવાકાર્યમાં જરૂરી મદદ પૂરી પાડી રહ્યો છે.

સરસપુર : ભકતો માટે જમવાનું ખૂટતું જ નથી

         અમદાવાદ, તા.૧૩ : સરસપુર મહાજનના અગ્રણી બિપીનભાઇ બારોટે જણાવ્યું હતું કે, આટલા વર્ષોના ઇતિહાસમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો સહિત નગરજનો સરસપુરની નવથી વધુ પોળોમાં દર વર્ષે રથયાત્રાના દિવસે ભારે પ્રેમ અને આદરપૂર્વક જમતા હોય છે, પરંતુ હજુ સુધી કયારેય જમવાનું ખૂટયું નથી. ભગવાનનો એવો ચમત્કાર છે કે, લાખોની સંખ્યામાં લોકો જમે છે તેમ છતાં હજુ સુધી કયારેય જમવાનું બગડયુ નથી કે, કયારેય રસોઇ ખૂટી નથી. સરસપુરના સ્થાનિક લોકો તો વર્ષોથી ભગવાન જગન્નાથજી અને તેમના ભકતોની સેવામાં તત્પર રહે છે. નોંધનીય વાત તો એ છે કે, આઠ-દિવસની મહેનત બાદ શ્રધ્ધાળુ ભકતો માટે બનાવાયેલા જમવામાંથી આ પોળોનો એકપણ વ્યકિત જમતો નથી,તેઓ તો તેમના ઘેર જ જમે છે. બસ ભગવાનના આ પુણ્યકાર્યમાં તેઓ તો સેવા આપવા ઇચ્છતા હોય છે.

(7:30 pm IST)
  • સૌરાષ્ટ્ર ભારે વરસાદને પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ : ૧૬-૧૭ જુલાઇએ રાહુલગાંધી આવવાના હતા સૌરાષ્ટ્રઃ અમરેલી સહિત સોરાષ્ટ્રમાં વરસાદ પગલે કાર્યક્રમ રદઃ આગામી સમય ફરી તારીખ નકકી કરાશે access_time 4:04 pm IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST

  • અમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા AMCના નિર્ણયને હાઇકોર્ટની બહાલી:પાઉચનું ઉત્પાદન કરનારા મેન્યુફેક્ચરર્સની અરજી હાઇકોર્ટે ફગાવી: કેન્દ્ર સરકારના નોટિફિકેશન GPCB અને રાજ્ય સરકારની રજુઆતોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી અમાન્ય રાખી access_time 8:30 pm IST