Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વડોદરામાં પોલીસ જવાનને ધક્કો મારીને પ્રિયકાન્ત ઉર્ફે ભઇલુ સોલંકી નાસી છૂટ્યો

વડોદરાઃ વડોદરામાં પોલીસ જવાનને ધક્કો મારીને હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલીસે તેને શોધવા દોડધામ શરૂ કરી છે.

કેદીને શહેરની સયાજી હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાં સારવાર અર્થે લવાયો હતો, અહીંથી જાપ્તાના પોલીસ જવાનને ધક્કો મારી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે હોસ્પિટલ સ્થિત સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે.

બાપોદ પોલીસ મથક દ્વારા તા. 2-5-017ના રોજ હત્યા કરવાના ગુનામાં પ્રિયકાંત ઉર્ફ ભયલુ કિશોર સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પ્રિયકાંત ઉર્ફ ભયલુ સોલંકી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.

કેદી પ્રિયકાંત સોલંકીએ બિમારીની ફરિયાદ કરતા આજે તેને જાપ્તા હેઠળ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેની બિમારીને ધ્યાનમાં લઇ ઓ.પી.ડી.માં લઇ જવામાં આવ્યો હતો. ઓ.પી.ડી.માં કેદી પ્રિયકાંત સોલંકી જાપ્તાના પોલીસ જવાનને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જાપ્તાની પોલીસે તેને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, આરોપી હાથ લાગ્યો ન હતો.

કેદી ફરાર થઇ જતાં જાપ્તાના જવાને રાવપુરા પોલીસને જાણ કરતા તુરતજ રાવપુરા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., પી.સી.બી. શાખાના અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને ફરાર થઇ ગયેલા કાચા કામના કેદી પ્રિયદર્શનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી.

(6:04 pm IST)