Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

દહેગામ નજીક પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 4.24 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ગાંધીનગર એલસીબીની ટીમે નાંદોલથી દહેગામ તરફ કારનો ફીલ્મી ઢબે પીછો કરીને બે બુટલેગરોને ઝડપી લીધા હતા. કારમાંથી ૪૦૮ નંગ વિદેશી દારૃ અને ૪૭૬ બિયરના ટીન મળી કુલ ૪.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે એલસીબી, એસઓજી સહિતની એજન્સીઓ તેમજ સ્થાનિક પોલીસને કડક સૂચના આપવામાં આવેલી છે ત્યારે એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિતે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી આ દિશામાં કાર્યવાહી કરવા બાતમીદારોને સક્રિય કરી પેટ્રોલીંગ કરવા માટે આદેશ કર્યો હતો.

જે અંતર્ગત એલસીબીના હે.કો.મહેન્દ્રસિંહ, યજવેન્દ્રસિંહ, કો.ધીરેન્દ્રસિંહ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે વિદેશી દારૃ ભરેલી કાર નાંદોલથી દહેગામ તરફ જવાની છે જેના આધારે બસ સ્ટેન્ડ પાસે આ કારને ઉભી રાખવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેના ચાલકે કાર ઉભી રાખી નહોતી જેથી તેનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લેવામાં આવી હતી. જીજે-૧-કેએન-૧૨૭૮ નંબરની કારમાંથી નિર્મલસિંહ જગદીશસિંહ રાઠોડ રહે.ધાણધા તા.હિંમતનગર અને અલ્કેશ જયંતિભાઈ પંચાલ રહે.કલ્પના-ર સોસાયટી દહેગામને ઝડપી પાડયા હતા. કારની તપાસ કરતાં તેમાંથી ૪૦૮ નંગ વિદેશી દારૃની બોટલ અને ૪૭૬ બિયર ટીન મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(5:22 pm IST)