Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

નડિયાદના જુના બસ સ્ટેન્ડમાં બસ હંકારી મુકતા મુસાફરના પગ પર ટાયર ફરી વળતા ફેક્ચર

નડિયાદ :જૂના બસ સ્ટેશનમાં એમ.પી.ની બસમાં મુસાફર ચઢે તે પહેલાં બસ હંકારી મૂકતા મુસાફરના પગ ઉપર બસ ફરી વળતા ફેક્ચર થયું હતું. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના આગરવામાં રહેતા મફતભાઈ પુંજાભાઈ વાળંદ ગત તા.૨-૭-૧૮ના રોજ કોઈ કામ અર્થે નડિયાદ આવ્યા હતા. મફતભાઈ રાત્રે નવ વાગ્યાના સુમારે નડિયાદ જૂના બસ સ્ટેશનમાં ડાકોરના પ્લેટફોર્મ ઉપર ઉભેલી મધ્યપ્રદેશ પરિવહનની અમદાવાદ -ઈન્દોર બસ નં.એફ એ-૭૯૬૬માં ઘરે જવા બસમાં ચઢતા હતા ત્યારે બસના ડ્રાઈવરે બસ હંકારી મૂકતા મફતભાઈ વાળંદ પડી જતાં કંડકટર સાઈડે બસની નીચે આવી જતા મુસાફરના પગ ઉપર તોતીંગ ટાયર ફરી વળતા મફતભાઈ વાળંદના પગે ફેક્ચર થયું હતું. બાદમાં બસ ડ્રાઈવરે મુસાફરને બસમાં બેસાડી ડાકોર ઉતારી મૂક્યા હતા. મુસાફરની સારવાર કરાવ્યા વગર જ બસ ડ્રાઈવર મુસાફરને રઝળતો મૂકી બસ હંકારી નાસી ગયો હતો. 
આ બનાવ અંગે મફતભાઈ પુંજાભાઈ વાળંદની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:18 pm IST)