Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ખેડૂતોને ચણા, તુવેર, રાયડાના પૈસા આવતા અઠવાડિયે મળી જશે

રાજય સરકાર પ૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ ફાળવશેઃ ફળદુ

રાજકોટ, તા. ૧૩ :. રાજ્યમાં સરકારને ટેકાના ભાવે ચણા, તુવેર, રાયડો વેચનાર ખેડૂતોને આવતા અઠવાડીયે મળવાપાત્ર નાણા મળી જશે તેવી હૈયાધારણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુએ આપી છે.  ખેડૂતોને લાંબા સમયથી ખેત ઉપજ વેચાણના નાણા ન મળવા અંગે શ્રી આર.સી. ફળદુને પુછતા તેમણે આજે બપોરે અકિલાને જણાવેલ કે, ખેડૂતોની વાત સાચી છે. ટેકાના ભાવની ખરીદીના નાણા મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં પ્રયત્નો ચાલુ છે. વહીવટી પ્રક્રિયામાં થોડો સમય જવાની સંભાવનાને ધ્યાને રાખી રાજ્ય સરકારે વચગાળાના ઉપાય તરીકે રીવોલ્વીંગ ફંડમાંથી ખેડૂતોને નાણા ફાળવવાનું નક્કી કર્યુ છે. ખેડૂતોને ૫૦૦ કરોડ જેવી રકમ આપવાની થાય છે. તે રીવોલ્વીંગ ફંડના માધ્યમથી આપવા માટે ફાઈલ નાણા વિભાગમાં મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં જ મંજુરી બાદ આવતા અઠવાડીયે ખેડૂતોના ખાતામાં નાણા જમા થઈ જશે.

(3:44 pm IST)