Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ભાજપની પ્રથમ કારોબારી હવે આગામી ઓગસ્ટમાં યોજાશે

હોદ્દેદારોને સોંપાયેલી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક વહન કરવા સહ સંગઠન મહામંત્રીની ટકોર

અમદાવાદ તા. ૧૩ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી છેક આઠમા મહિને ભાજપની પ્રથમ કારોબારી ઓગસ્ટ મહિનામાં યોજવાનું નક્કી કરાયું છે. અગાઉ બે વખત કારોબારી મોકુફ રાખવી પડી હતી. હવે ૧૧ ઓગસ્ટે એક જ દિવસ પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ્ ખાતે કારોબારી યોજવામાં આવશે, તેમ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેર કર્યું છે.

લોકસભા ૨૦૧૯ની તૈયારીઓ સંદર્ભે યોજાયેલી ચિંતન શિબિરના મંથન બાદ સંગઠનાત્મક કાર્યક્રમો નક્કી કરવા માટે ભાજપની પ્રદેશ બેઠક તેમજ સાત મોરચાના પદાધિકારીઓની બે અલગ અલગ બેઠકો ગુરૂવારે યોજાઇ હતી. અલબત્ત, આ બેઠકોમાં કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્ત્।મ રૂપાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દોઢસો ટકા વધારા સાથે ખેતપેદાશોના મહત્તમ ટેકાના ભાવોની કરાયેલી જાહેરાતનો લાભ ખેડૂતોને મળે તે માટે કાર્યકરોને વિશેષરૂપથી સમજ આપી હતી.

જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતીની સાથોસાથ વીજ બિલમાં રાહત મળી શકે તેવી જાહેર કરાયેલી સ્કાય યોજનાનો મહત્તમ લાભ લેવા પ્રેરિત કરવા કાર્યકરોને હાકલ કરી હતી.

પ્રમુખ વાઘાણીએ પ્રદેશ બેઠક બાદ જણાવ્યું હતું કે, આજની બેઠકોમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષે તમામ કાર્યકરોને પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક વહન કરવા જણાવ્યું હતું. સતિષે કોંગ્રેસની નીતિ-રીતિની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની નીતિ દેશને તોડવાની રહી છે જયારે ભાજપની નીતિ દેશ જોડવાની છે અને આ નીતિ તેમજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના જનહિતના કાર્યોને જનજન સુધી પહોંચાડી જનતાનો વધુ એક વખત પ્રેમ જીતી રાજયની ૨૬ બેઠકો પર જીત મેળવવા પરિશ્રમ કરવા કાર્યકરોને સૂચન કર્યું હતું. આગામી સમયમાં ભાજપ રાજયભરમાં વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન વગેરેના કાર્યક્રમો યોજવા અંગે બેઠકમાં ચર્ચા થઇ છે. રૂપાણીએ ૨૭મીએ રાજયકક્ષાના તેમજ ૨૯મીએ જિલ્લા સ્તરે વન મહોત્સવની ઉજવણીમાં કાર્યકરો જોડાય તેવું સૂચન કર્યું હતું.

આજે અમિતભાઇનું આગમન, શનિવારે પરત ફરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ શુક્રવારે રાત્રે અમદાવાદ આવી પહોંચશે. અમિતભાઇ રથયાત્રા નિમિત્ત્।ે અમદાવાદના જગન્નાથ મંદિરમાં યોજાતી મંગળા આરતી માટે હંમેશા આવતા રહે છે. આ વખતે શનિવારે વહેલી પરોઢે મંગળા આરતીમાં હાજરી આપ્યા પછી અમદાવાદ નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાનાર યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાને સંબોધન કરશે. ત્યાર બાદ નવી દિલ્હી પરત ફરશે.

પીએમ મોદીના કાર્યક્રમો સંદર્ભે તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ જુલાઇએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં વલસાડ, જૂનાગઢ, ગાંધીનગરના કાર્યક્રમો સંદર્ભે મુખ્યમંત્રી રૂપાણીએ ભાજપની બેઠકમાં વિગતો આપી હતી. વલસાડમાં પાણી પુરવઠા, ગરીબોને આવાસોના લોકાર્પણ, જૂનાગઢમાં રૂ.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી મેડિકલ કોલેજના લોકાર્પણ તેમજ ગાંધીનગરમાં એફએસએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે.

(11:44 am IST)