Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

HSRP નંબર પ્લેટ માટેની મહેતલ ૩૧ જુલાઈ થઇ ગઇ

હજુ લાખો વાહનોમાં એચએસઆરપી બાકી છે :સરકાર દ્વારા વધુ એકવાર એચએસઆરપી લગાવવાની મુદત લંબાવવામાં આવી :વાહનચાલકોને મળેલી રાહત

અમદાવાદ,તા.૧૨ :રાજ્યમાં ફરતા જુના વાહનો પર હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદત હવે ૩૧ જુલાઈ, ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે. વાહનચાલકોની સુગમતા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે. જો કે, એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં હજુ લાખો વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી છે. આરટીઓ તંત્ર અને વધારાના સ્ટાફ સાથે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરી રહ્યું છે પરંતુ સામે જૂના વાહનોનો ધસારો એટલો ભારે અને વધુ છે કે, તેને ઓછી સમયમર્યાદામાં પહોંચી વળવું શકય નથી.  વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું ફરજીયાત કરવામાં આવ્યા બાદ ૨૦૧૨થી રાજ્યમાં વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા અગાઉ રાજયના વાહનમાલિકોને ગત તા.૩૦ એપ્રિલ સુધીમાં વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવી દેવા માટે આદેશ અપાયો હતો.  જો કે, તા.૩૦ એપ્રિલની મુદત પૂર્ણ થઇ તે પછી પણ લાખો વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ જુના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં સતત બે વખત વધારો કર્યો હતો પરંતુ તેમછતાં આ કામગીરીની પહોંચી નહી વળાતાં હવે અમદાવાદ શહેર સહિત રાજયભરના વાહનમાલિકોને તેમના જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત તા.૩૧મી જૂલાઇ સુધીની લંબાવી અપાઇ છે. સરકારના આ નિર્ણયને પગલે રાજયના લાખો વાહનચાલકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે તો બીજીબાજુ, આરટીઓ તંત્ર શકય એટલી ઝડપે એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરવાનીું કામ પૂર્ણ કરવાની મથામણમાં પડયું છે.

(7:45 pm IST)