Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જીએસટીને લઇ ૧૪-૧૫મીએ દેશભરના વકીલોનું મનોમંથન

જીએસટીની ગૂંચવણો દૂર કરવા માટે કોન્કલેવઃ જીએસટીમાં રહી ગયેલી ખામીઓ અને ત્રુટિઓ નિવારવા ચર્ચા થશે : સાચા અર્થમાં અમલી બનાવવા સૂચનો કરાશેં

અમદાવાદ,તા.૧૨: જીએસટીના અમલીકરણને એક વર્ષ વીત્યા બાદ પણ ઇન્વોઇસ મેચીંગ નહી થવાથી માંડી, અબજો રૂપિયાના અટવાયેલા રિફંડ સહિતની અનેક સમસ્યાઓ અને જીએસટી રિટર્નમાં વેપારીઓને પડતી હાલાકી સહિતની અનેક ફરિયાદોને લઇ આગામી તા.૧૪ અને ૧૫ જૂલાઇના રોજ અમદાવાદ શહેરમાં ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશના વકીલો સહિત દેશભરના ટેક્સ કન્સલ્ટન્ટના એક મહત્વનો બે દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના ૨૬ રાજયો અને ૯૦થી વધુ એસોસીએશનના વકીલોના નિષ્ણાત વકીલો એકમંચ પર એકઠા થઇ જીએસટીમાં રહી ગયેલી ખામીઓ-ત્રુટિઓ નિવારવા ઉપરાંત તેને સરળ અને સાચા અર્થમાં અમલી બનાવવાના તેમ જ જીએસટીની ગૂંચવણો અને જટિલતા દૂર કરી વ્યવહારૂ અભિગમ સાથે અમલી બને તે માટેના અગત્યના સૂચનો અને સુધારા-વધારા સૂચવવામાં આવશે એમ અત્રે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના સભ્યો અને જીએસટી નિષ્ણાત અક્ષત વ્યાસ અને નિગમ શાહે જણાવ્યું હતું. અમદાવાદમાં યોજાનારા ટેક્સ કન્સલ્ટન્ટ-વકીલોના કોન્કલેવમાં બે દિવસની ચર્ચા વિચારણના અંતે તૈયાર થયેલા સૂચનો અને સુધારા-વધારાની રૂપરેખા તા.૨૧મી જૂલાઇએ દેશની જીએસટી કાઉન્સીલની મળનારી મહત્વની બેઠકમાં પણ રજૂ કરવામાં આવશે. કારણ કે, જીએસટી કાઉન્સીલને તા.૧૫મી જૂલાઇ સુધીમાં કોઇપણ સૂચનો કે સુધારા રજૂ કરવાની મુદત આપી છે. જીએસટીના અમલને એક વર્ષ બાદ પણ હજુ પડી રહેલી તકલીફો અને હાલાકી અંગે જીએસટી નિષ્ણાત અક્ષત વ્યાસ અને નિગમ શાહે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટીનું સરળ અમલીકરણ કરવા માટે જરૂરી ફોર્મેટ જ હજુ જીએસટી કાઉન્સીલ તૈયાર કરી શકી નથી. કાઉન્સીલે જીએસટીએન-૨ એ ની વ્યવસ્થા કરીને વેચાણ કરનાર તેની વિગતો અપલોડ કરે તેવી વ્યવસ્થા દાખલ કરી છે. જેમાં અપલોડ થયેલા જીએસટીઆર-૩ની વિગતો ખરીદનાર જોઇ શકે છે પરંતુ તેમાં કોઇ ક્ષતિ હોય તો વેચનારને કોમ્યુનિકેટ કરવાની કોઇ વ્યવસ્થા નહી હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાચી મેળવી છે કે કેમ તે ખબર જ પડતી નથી, જેથી વેપારીઓ અને ડિપાર્ટમેન્ટ બંને મંૂંઝવણમાં રહે છે. આ જ પ્રકારે જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ તૈયાર થયા નહી હોવાથી સંખ્યાબંધ વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ભારે હાલાકી પડી રહી છે. સમગ્ર સીસ્ટમમાં મુખ્ય રિટર્ન એવા જીએસટીઆર-૩ માટે સરળ ફોર્મેટ એસોસીએશને  કાઉન્સીલને તૈયાર કરીને આપ્યું છે, ઉપરાંત જીએસટીના સર્વર પર ઓછો લોડ આવે તે પ્રકારે વિગતો અપલોડ કરવા, દરેક ઇન્વોઇસનું યોગ્ય રીતે મેચીંગ કરવા સહિતના અનેક સૂચનો કરાયા છે પરંતુ હજુ સુધી તેનું સાચા અર્થમાં અમલીકરણ જ થયું નથી. જીએસટીઆર-૩માં વેચાણ અને ખરીદીની બિઝનેસ ટુ બિઝનેસની યાદી એટલે કે, બિલની યાદી એટેચ કરવાની સીસ્ટમ ઇન્ટ્રોડયુસ કરવાની ભલામણ કરાઇ છે પરંતુ તેને હજુ સુધી કાઉન્સીલ દ્વારા ફોડ પડાયો નથી. જેને પગલે વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના હેરાન થઇ રહ્યા છે. જીએસટી નિષ્ણાત દિવ્યેશ મહેતા અને વારીસ ઇશાનીએ ઉમેર્યું હતું કે, એક્સપોર્ટના રિફંડની સમસ્યા આજે પણ બહુ મોટી છે. એક્સપોર્ટ ફોર્મ -૧ ભરીને રિફંડ માટે ઓનલાઇન અરજી કરાય તે પછી દરેક અધિકારીઓ પોતાની સૂઝબૂઝ પ્રમાણે તે ક્લિયર કરવા અલગ અલગ દસ્તાવેજો માંગે છે. જેને લઇ સમગ્ર પ્રક્રિયામાં એકસૂત્રતા કે વિશ્વસનીયતા જળવાતી નથી અને તેથી રિફંડનો મામલો અટવાયા જ કરે છે. સામાન્ય રીતે ઇન્ટીગ્રેટેડ જીએસટીનું રિફંડ પંદર દિવસમાં આપી દેવાનો નિયમ છે પરંતુ કેન્દ્રના અધિકારીઓએ આ અંગે ઝુંબેશ ચલાવ્યા પછી અને ઓનલાઇન કામ થતુ નહી હોવાથી મેન્યુઅલી કરાવ્યા પછીય આજે અબજો રૂપિયાના રિફંડ અટવાયેલા પડયા છે. ઉપરોકત તમામ મુદ્દે કોન્કલેવમાં ચર્ચા થશે.

(10:31 pm IST)