Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાજ્યના એક લાખ ટયુશન કલાસીસ ચાલુ કરવા દેવા માંગ :શિક્ષકો સહિતના વર્ગની હાલત કફોડી

15 લાખ પરિવારોને પડતી મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડવા સોમવારે રાજયના દરેક જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપશે

ગાંધીનગર: કોરોનાની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેની ભારે અસર થઇ છે. જેમાં ટયુશન કલાસીસ સાથે જોડાયેલા શિક્ષકો સહિતના વર્ગની હાલત કફોડી થવા પામી છે. જેથી કોરોનાનો પ્રભાવ ઘટયો છે ત્યારે 15 મહિનાથી બંધ ટયુશન કલાસીસ ચાલુ કરવા દેવાની મંજુરી આપવાની માંગ સાથે કાલે તા.14મી જૂનના રોજ રાજયભરના ટયુશન કલાસીસ સંચાલકો દ્વારા રાજયના દરેક જિલ્લા કલેકટરો તેમજ સ્થાનિક ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશન- ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના મીડિયા એડવાઇઝર હેંમાગ રાવલે જણાવ્યું છે કે, ગુજરાતમાં એક લાખથી વધારે કોચીંગ અને ટયુશન કલાસીસ આવેલા છે. તેની સાથે 15 લાખથી વધારે શિક્ષકોના પરિવારો જોડાયેલા છે. આ કલાસીસ છેલ્લાં 15 મહિનાથી બંધ હોવાના કારણે આ 15 લાખ પરિવારોને મુશ્કેલીઓ જેવી કે ઘર ખર્ચ, ઘર અને કલાસનું ભાડું, લોનના હપ્તા વગેરે છે.

આ હકીકત સરકાર સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ વિવિધ માધ્યમો જેવા કે 15,000 ટ્વીટ, 16000 ઇ-મેઇલ, દરેક શહેરમાં મૈન રેલી, વગેરે દ્વારા સરકારને વાકેફ કરવામાં આયા હતા. પણ તેનો કોઇ પ્રત્યુત્તર નહીં મળતાં છેવટે ના છૂટકે સોમવારે 14 જૂનના રોજ અમદાવાદ જિલ્લા કલેકટરને સવારે 11 વાગ્યે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે.

આ કાર્યક્રમ દ્વારા સરકારને ઓનલાઇન કોચીંગમાં બોર્ડના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે પણ અવગત કરાવવામાં આવશે. આ જ રીતે રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓના કલેકટરોને સ્થાનિક ટયુશન કલાસીસ સંચાલકો દ્વારા ઉપરોક્ત તારીખે અને સમયે જ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે

(10:55 pm IST)