Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

કોરોનાથી સાજા થયેલા દર્દી ડાયાબિટીસના રોગી બન્યા

ગુજરાત ભારતનું ડાયાબિટીસ કેપિટલ છે : કોરોના સંક્રમિત થયા પહેલા તંદુરસ્ત જીવન જીવતાં લોકોના શરીરમાં હવે ડાયાબિટીસ ઘર કરી રહ્યું છે

અમદાવાદ,તા.૧૩ : ૪૮ વર્ષીય રિયલ એસ્ટેટ બ્રોકર અનિલ મહેતા વર્ષમાં બેવાર મેડિકલ ચેકઅપ કરાવે છે અને અત્યાર સુધી ક્યારેય તેમનો બ્લડ શુગર રિપોર્ટ પોઝિટિવ નહોતો આવ્યો. એટલું જ નહીં હાયપરટેન્શન કે સ્થૂળતા જેવા રિસ્ક ફેક્ટર પણ નહોતા અને તેઓ દવા વિનાની તંદુરસ્ત જિંદગી જીવતા હતા. નિયમિતપણે એક કલાક ચાલવા પણ જતા હતા. જોકે, કોરોના આવ્યો અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. અનિલ મહેતાને કોરોના વાયરસનું ગંભીર ઈન્ફેક્શન થયું હતું અને ૮૦ ટકા ફેફસા ડેમેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું શુગર લેવલ બેકાબૂ થયું અને ૫૦૦ mg/dlને પાર પહોંચી ગયું હતું. કોરોનાથી સાજા થયાના ૬ મહિના બાદ હવે અનિલ મહેતા ડાયાબિટીસના દર્દી બની ગયા છે. શુગર લેવલ નિયંત્રણમાં રાખવા તેઓ દિવસમાં બે ગોળી લે છે. શુગર કાબૂમાં કરવા માટે અનિલ મહેતાએ ખોરાકમાં ચરી પાડવાની શરૂ કરી અને કસરતો પણ.

        તેમણે કહ્યું, કોરોનાએ મને છૂટા પડતી વેળાની ભેટ સ્વરૂપે ડાયાબિટીસ આપ્યું છે. ભારતના ડાયાબિટીસ કેપિટલ ગણાતા ગુજરાતમાં કોરોના બાદ ડાયાબિટિસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દીઓમાં થયેલો વધારો દેખીતો છે. કોરોનાના કારણે અથવા તેની સારવાર દરમિયાન દર્દીઓ ડાયાબિટીસની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જર્નલ ઓફ ડાયાબિટીસ, ઓબેસિટી એન્ડ મેટાબોલિઝમમાં ગત વર્ષે એક વૈશ્વિક એનાલિસિસ પ્રકાશિત થયું હતું, જે મુજબ કોરોનાના ગંભીર ઈન્ફેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા ૧૪.૪% દર્દીઓ ડાયાબિટીસનો પણ શિકાર બન્યા હતા. નિષ્ણાતોનું માનીએ તો, કોરોનાના કારણે દેશભરમાં અંદાજે ડાયાબિટીસના નવા ૧ કરોડ દર્દીઓ ઉમેરાશે*, તેમ વરિષ્ઠ એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. સંજીવ પાઠકે જણાવ્યું. મહામારીના એક વર્ષ દરમિયાન ડૉ. પાઠકે ૮૦ એવા દર્દીઓની સારવાર કરી છે કે જેઓ કોરોનાનું સંક્રમણ થયા બાદ ડાયાબિટીસના રોગી બન્યા હતા.

(7:56 pm IST)