Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

અનેક કોર્પોરેટરોને ક્યાં હેરિટેજ સાઈટ છે તેની ખબર જ નથી

મ્યુનિ.ના રિક્રિએશન કમિટાના સભ્યનો આક્ષેપ : વર્લ્ડ હેરિટેજ સિટીના કોર્પોરેટરોને હેરિટેજ સાઈટ દર્શાવવા માટે પ્રવાસ ગોઠવવાનું આયોજન કરવાની ફરજ પડી

અમદાવાદ,તા.૧૩ : શહેરમાં ધાર્મિક અને રહેણાંકના મળી અનેક હેરિટેજ સ્થાપત્યો આવેલાં છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નવા ચૂંટાયેલાં કોર્પોરેટરો પૈકી કેટલાયને શહેરમાં ક્યાં કઇ હેરિટેજ સાઇટ આવેલી છે તેની જાણકારી જ નથી જેથી કરીને રિક્રિએશન કમિટીનાં સભ્યો માટે તો હેરિટેજ સાઈટનો પ્રવાસ ગોઠવવાનું આયોજન કરવાની ફરજ પડી છે. મીડિયા રિપોર્ટ મુજબ એએમસી રિક્રિએશન કમિટીની સૌપ્રથમ બેઠક યોજાઇ હતી, જેમાં બે સભ્યને બાદ કરતાં ચેરમેન સહિત તમામ સભ્યો પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટાયા હોવાથી તેમને કમિટી અંતર્ગત ક્યા ક્યા વિભાગ આવે અને શું કામગીરી કરે તેની માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે હેરિટેજ વિભાગની વાત આવી ત્યારે કેટલાય કોર્પોરેટરોએ શહેરમાં હેરિટેજ સાઇટ એટલે શું અને ક્યાં કેટલી સાઇટ આવી છે તેની જાણકારી માગી હતી. આ ચર્ચા સમયે કેટલાય કોર્પોરેટરોએ તેમણે હેરિટેજ સાઇટ જોઈ જ નથી તેવી વાત કરતાં અધિકારીઓ પણ આશ્ચર્યચક્તિ થઇ ગયાં હતા. આથી ચેરમેને હેરિટેજ સાઇટની મુલાકાત-નિહાળવા પ્રવાસ ગોઠવવાની સૂચના આપી હતી.

       સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું હતું કે, પીએમના પ્રયાસથી શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે શહેરમાં જન્મેલાં અને મોટા થયેલાં કોર્પોરેટરોને હેરિટેજ એટલે શું તે જ ખબર નથી તે બહુ મોટી વાત ગણાય! દરમિયાન બગીચા ખાતા દ્વારા દક્ષિણ ઝોન માટે ચાર મજૂર સાથે ટ્રેક્ટર-ટ્રોલી પૂરા પાડવા વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, તેમાંથી સાંઇ એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાક્ટરનું મ્યુનિ.નાં અંદાજ કરતાં ૨૫.૯૯ ટકા ઓછા ભાવનું ૯૮.૫૯ લાખનું ટેન્ડર મંજૂર કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. રિક્રિએશન કમિટીએ આ દરખાસ્ત મંજૂર કરી દીધી હતી, પરંતુ કેટલાક સભ્યોએ પાછળથી એવી ચર્ચા કરી હતી કે, બગીચા ખાતા દ્વારા ટ્રેક્ટર-ટ્રોલી ભાડે રાખવામાં આવે છે તે ખરેખર આરટીઓનાં નિયમ મુજબ ચાલે તેવા હોય છે કે નહિ અને ટ્રેક્ટર-ટ્રોલી દિવસ દરમિયાન કેટલી કામગીરી કરે છે તે તપાસનો વિષય છે. તદઉપરાંત કેટલાક સભ્યોએ તો કમિટીમાં જ વૃક્ષારોપણ અભિયાનની ચર્ચા કરી હતી અને તેમાં વૃક્ષારોપણ બાદ છોડવાને પાણી આપવા માટે ટેક્નરો ભાડે રાખવામાં આવે છે તે તો રેસ્ટોરન્ટ અને કિટલીવાળાઓને પાણી વેચી દેતી હોવાનો આક્ષેપ થયો હતો.

(7:53 pm IST)