Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં ડિફેન્સને લગતો કોર્સ શરુ કરાશે : ધોરણ 12ના પરિણામ બાદ મળશે પ્રવેશ

શની સુરક્ષા અને સંરક્ષણ નીતિ પરનો આ ગુજરાતનો પ્રથમ અભ્યાસક્રમ શરુ થશે

વડોદરા : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી માં પરંપરાગત અભ્યાસક્રમોથી અલગ પડતો ડિગ્રી કોર્સ શરુ કરવામાં આવશે. આ ડિગ્રી કોર્સને બીએ ઓનર્સ ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ નામ આપવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ ડિફેન્સમાં કેરિયર બનાવવા માંગતા હોય તેમના માટે આ કોર્સ ઉપયોગી પુરવાર થશે.

ગુજરાતના યુવાનોને સંરક્ષણ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે આ કોર્સ ઉપયોગી પુરવાર થશે. દેશની સુરક્ષા અને સંરક્ષણ નીતિ પરનો આ ગુજરાતનો પ્રથમ અભ્યાસક્રમ શરુ થવા જઈ રહ્યો છે. ધોરણ 12ના પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને તેમા પ્રવેશ આપવામાં આવશે.

સિન્ડિકેટમાં આ કોર્સને ઔપચારિક રીતે મંજુરી આપવામાં આવી છે. આ 3 વર્ષના ડિગ્રી કોર્સમાં 6 સેમેસ્ટરમાં કુલ 36 વિષયો ભણાવવામાં આવશે. આ પૈકીના 32 પેપર રાષ્ટ્રીય સુરક્ષા  અને સંરક્ષણને લગતા રહેશે. તમામ વિષયો વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. આ કોર્સનું કન્ટેન તૈયાર કરવા માટે દેશના સંરક્ષણ નિંષ્ણાંતો પાસે તેમજ આર્ટસ ફેકલ્ટીના અલગ-અલગ અધ્યાપકોની મદદ લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ ગ્રેજ્યુઅટ થઈને દેશની કોઈ પણ સંરક્ષણ પાંખોમાં જોડાવા માટે પરિક્ષા આપતા હોય છે. તેમના માટે આ કોર્સ પૂર્વ તૈયારી સમાન સાબિત થશે. કોર્સના વિદ્યાર્થીઓને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષાની તાલીમ પણ આપવામાં આવશે. ભારતીય સેનાના નિવૃત અધિકારીઓ પણ વિદ્યાર્થીઓને ભણાવશે. છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને આર્મી ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

(6:47 pm IST)