Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

આપણે સાચા હોઈએ તો દુનિયા નિંદા કરે તેની ચિંતા કરવી નહીં

સળગતો કોલસો આપણે કોઈના પર ફેંકીશું તો પહેલું નુકસાન કોને થવાનું છે? વિચારો...પહેલાં હાથ તો આપણા જ બળવાના છે એટલે કોઈની ટીકા કરતાં પહેલાં વિચાર કરવો, સમય બદલાતા વાર થતી નથી

અમદાવાદ :  મનુષ્યનું જીવન સરળ છે. બસ, સ્વયંને સમજવાની કોશિશ કરવી જોઈએ. કહેવાય છે ને કે, ‘આપ ભલા તો જગ ભલા.’ અન્યોને સમજાવવાની કોશિશ કરવી નહીં અને હા, કોઈને પણ સુધારવાનો પ્રયાસ પણ ન કરવો. દરેક માણસ પોતાની રીતે યોગ્ય બનવાની કોશિશ કરતો જ હોય છે. વ્યક્તિત્વ વિકાસ માટે અનેક બાબતો જરુરી છે, એ પૈકી બે મુદ્દાની આજે વાત કરવા ઈચ્છું છું. પ્રથમ મુદ્દો છે - "ટીકા " અને બીજો મુદ્દો છે - યોગ્ય પળ".

(1) ટીકા:

 વિશ્વના દરેક મહાન માનવીની પણ ટીકા તો થઈ જ છે. એટલે આપણી ટીકા પણ થશે, એટલે તેની ચિંતા કરવી નહીં. ટીકા સૌના જીવન સાથે હવા-પાણી અને ખોરાકની જેમ સંકળાયેલ છે. કારણ વગરના સંઘર્ષમાં ઉતરવું જોઈએ નહીં. કોઈ ટીકા કરે તો ભલે કરે, આપણે ચિંતા કરવી નહીં. તેમજ ટીકા થાય તો ઉશ્કેરાવું નહીં, સંયમ રાખવો. આ બાબત જિંદગીમાં સફળ થવા માટે મહત્વની છે.  આગળ જવું, ચાલ્યા કરવું અને જો ઉભા રહીએ ત્યારે 'કુતરા' ભસે તો તે તરફ ધ્યાન આપવું નહીં, અન્યથા આપણી રળિયામણી સફર અથવા તો પ્રગતિ અટકી જશે. ટીકા કે અપ્રિય વચનોથી ઉશ્કેરાઈ જઈને ખોટા સંઘર્ષમાં ઉતરવાના બદલે મૌન રાખવું, ધીરજ રાખવી અને સંયમ રાખવો. આ જ ટીકાનો યોગ્ય જવાબ છે. સમયના પ્રવાહ સાથે જૂઠ ખત્મ થઈ જાય છે. ટીકા સાંભળી ને ગુસ્સે થવાને બદલે એની પાછળના હેતુને જાણવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. એમ પણ જેમને કોઈ કામ ન હોય એ બીજાની ટીકા કરવામાં જ પોતાનો સમય વેડફે છે. એટલે આપણે હંમેશા રચનાત્મક અને હૃદયને ગમે તેવા કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને નિરાંત હોય ત્યારે ગમતાં કે પ્રિય વ્યક્તિને યાદ કરો, મજા આવશે. આપણી કોઈ ટીકા કરે તો વિચલિત થવું નહીં, આપણું ધ્યાન લક્ષ્ય તરફ હોવું જોઈએ. એમ પણ કહેવાય છે ને કે, "ભસતા કૂતરા પાછળ દોડશો તો થાકી જશો".

(2) સમયની યોગ્ય પળ:

       આપણી સૌની જિંદગી ટૂંકી છે, પરંતુ ખૂબસૂરત છે. ખૂબસૂરત જિંદગીમાં સમયનો મહિમા કરવા જેવો છે. સમયની સાથે ચાલવું, સમયને ઓળખવો અને ભવિષ્યમાં આવનારી તકને ઝડપી લેવી. સમયને પારખતા શીખવું પડશે, એમાં જ જિંદગીનું સુખ અને વૈભવ રહેલો છે.    
       ચાર્લ્સ કાર્બન ને કોઈએ પૂછ્યું કે જીવનમાં આગળ વધવા અને સુખી થવા માટે કઈ બાબત અનિવાર્ય છે ? તો તેમણે ખૂબ સરસ જવાબ આપ્યો કે, લાંબુ આયુષ્ય ભોગવવા અને સફળતાના શિખરે પહોંચવા માટે બુદ્ધિ કે  શિક્ષણ કે  શક્તિ પૈકી એક પણ બાબતની જરુર નથી. હા, બુદ્ધિ, શિક્ષણ અને શક્તિ હોય તો આંશિક મદદ મળી રહે છે. પણ જો આ ત્રણેય બાબત હોય છતાં માણસને સમય પરખતા ન આવડે તો નિષ્ફળતા જ સાંપડશે. પ્રગતિ કરવા માટે સૌથી અગત્યની બાબત છેઃ‘‘સમયને ઓળખવો.’ દરેક માણસના જીવનમાં એવો તબકકો આવે છે કે નિર્ણય લેવો અથવા નક્કી કરવું. કયું કામ કરવું અને કયું ન કામ કરવું? કંઈ વાત કહેવી કે ન કહેવી? બોલવું કે મૂંગા રહેવું ? આ બાબત જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. લગ્નજીવન, લોક-વ્યવહાર અને કામ કરવાની પદ્ધતિ – આ દરેક બાબતમાં સમયને ઓળખવો અનિવાર્ય છે. સમયને ઓળખીશું તો સફળ થવા દોડવું નહીં પડે, સફળતા સામેથી જ આવશે. સફળતા અને નિષ્ફળતા વચ્ચે ‘સમયપુરુષ’ ઉભો છે. એટલે સમયને ઓળખીને કયા રસ્તે સફળતા મળશે અને કયા માર્ગે નિષ્ફળતા સાંપડશે, તેનો ખ્યાલ આવવો જોઈએ.

છેલ્લે....

"સળગતો કોલસો આપણે કોઈના પર ફેંકીશું તો પહેલું નુકસાન કોને થવાનું છે? વિચારો...પહેલાં હાથ તો આપણા જ બળવાના છે. એટલે કોઈની ટીકા કરતાં પહેલાં વિચાર કરવો, સમય બદલાતા વાર થતી નથી."

- લેખિકા: દર્શના પટેલ "સોનુ" (અમદાવાદ)

(5:06 pm IST)