Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

વડોદરા કોંગ્રેસના પૂર્વ ખજાનચીને લૂટીને ફોટા પાડયા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતા ચકચાર

રૂ. ૭૯ હજાર લુટયા બાદ લુટારૂ ન ધરાયા વધુ રૂપિયાની માંગ કરતા

વડોદરા: વડોદરા (Vadodara) કોંગ્રેસ (Congress) ના પૂર્વ ખજાનચી અને તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા (VMC) ની યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી કરનાર તેમજ જમીન લે વેચવાનુ કામ કરતા નિર્મલ ઠક્કર (Nirmal Thakkar) ને લૂટારુ ટોળકીએ જમીન વેચવાના બહાને બોલાવ્યા હતા. અને તેઓને મારમારી રૂપિયા 79 હજારની લૂંટ ચલાવી કઢંગી હાલતમાં તેમના ફોટા પાડી વાયરલ (Viral) કરવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગણીનો બનાવ વાઘોડિયા પોલીસ મથકે નોંધાયો છે.

વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની 66, દીપિકા સોસાયટીમાં  નિર્મલભાઇ વિનોદચંદ્ર ઠક્કર રહે છે. અને જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. શુક્રવારે બપોરે તેઓથી બ્લુ નામની પોતાના મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઇ ગઇ હતી.

આ એપ્લિકેશન ના માધ્યમથી વડોદરા પાસે અણખોલ ગામ નજીક રોડ ટચ જમીન વેચવા અંગેનો મેસેજ આવ્યો હતો. જેથી વાતચીત બાદ તેઓ નર્મદાપુરા ગામના બોર્ડ પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે જમીન થોડીક અંદર છે કાર જશે નહીં ઉબડખાબડ રસ્તો છે જેથી નિર્મલભાઇ તેમની તેમના સ્કૂટરની પાછળ બેસી રવાના થયા હતા અને અજાણ્યા યુવકે ધીરજ હોસ્પિટલ થી થોડે દુર રોડ ટચ ખેતર બતાવ્યું હતું.

જ્યાં અન્ય બીજા બે વ્યક્તિ આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે અમારા ખેતર માંથી રૂપિયા 80 હજારની કિંમતની બે ગાયો ચોરી થઈ છે તમે ચોર છો ચોરી કરવા આવ્યા છો તેમ કહી ફેટ પકડી ખેતરમાં અંદર ખેચી ગયા હતા અને નિર્મલભાઇ એ પહેરેલી રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેન મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 8000 ની લૂંટ ચલાવી હતી.

ત્યારબાદ વધુ એક લાખની માંગ કરી હતી. વધુ પૈસા ન હોવાનું જણાવતાં લૂંટારુએ તેમના કપડાં કાઢી મારમારી કઢંગી ફોટા પાડી ખેતરમાં ઢસડી ગયા હતા. અને વધુ નાણાંની માંગણી કરી હતી. દરમિયાન નિર્મલભાઇએ પત્ની પાસે વધુ રૂપિયા 12 હજાર રોકડા મંગાવી લૂંટારૂઓને આપ્યા હતા. આમ છતાં, લૂંટારુઓની માંગ ન સંતોષાતા વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જેથી નિર્મલભાઇ બે દિવસ પછી આપવાનું જણાવતાં તેમનો છુટકારો થયો હતો.

ઉલ્લેખનીય છે શહેર કોંગ્રસ (Congress) અગ્રણી નિર્મલભાઇ ઠક્કર સાથે બનેલા બનાવે શહેરના રાજકીય મોરચે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે (Police) લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. ટોળકી ઝડપાયા બાદ અનેક લૂટના બનાવોનો ભેદ ખૂલે તેવી શક્યતા છે. એવી પણ માહિતી મળી છે કે, કોગ્રેસ અગ્રણીને લૂંટનાર ટોળકી પોલીસની હાથવેંતમાં છે.

(12:08 pm IST)