Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

સુરત : ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ : પરવાનગી મળશે કે કેમ : હજુ અસમંજસ

પરવાનગી ન મળે તો મંદિરના બે રથ પૈકી નાનો રથ મંદિર પરિસરમાં જ ફેરવાશે : લાઈવ પ્રસારણ કરાશે

સુરત : અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાની તૈયારી સુરતમાં શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે ગયા વર્ષે રથયાત્રા નીકળી શકી ન હતી. જો કે કોરોનાના કારણે આ વર્ષે પણ પરવાનગી મળે તેવી સંભાવના ઓછી છે. છતાં સુરત જહાંગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિર માં રથયાત્રામાં રથને સજાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરતના ઈસ્કોન મંદિર ખાતેથી અષાઢી બીજ નિમિત્તે છેલ્લા 28 વર્ષથી રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ 29મી રથયાત્રાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે રથને સજાવવામાં આવી રહ્યા છે. ઈસ્કોન મંદિરના દિલીપભાઈ કટીરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાના કારણે સુરતના ઈસ્કોન મંદિરેથી નીકળનારી સૌથી મોટી રથયાત્રા કેન્સલ કરવામાં આવી હતી.

દર વર્ષે મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી નીકળતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાય છે. પરંતુ કોરોનાના કારણે આ રથયાત્રા રદ્દ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે પણ કોરોનાની બીજી લહેર ઘાતક રહી હતી. હાલ કોરોનાના કેસો કાબુમાં આવ્યા છે પણ સરકાર પાસે પરવાનગી માંગવામાં આવી છે.

જોકે પરવાનગી ન મળે તો મંદિરના બે રથ પૈકી નાનો રથ મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકે. જોકે આ વર્ષે પણ કોરોનાના કારણે કેસો ન વધે તેવી તકેદારી ધ્યાનમાં રાખીને કેસો કાબુમાં રાખવા સરકાર તરફથી પરવાનગી નહીં આપવામાં આવે તેવી સંભાવના છે.

(10:38 am IST)