Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

અંબાજી મંદિરમાં વિના મૂલ્યે ભોજન સેવા શરૂ કરાશે

૧૪ જૂનથી સદાવ્રત શરૂ થશે : સદાવ્રત પ્રોજેક્ટ અંતર્ગત આ યોજના કલેકટરના નિરીક્ષણ હેઠળ હાથ ધરાશે : દર્શન માટે હજારો ભક્તો આવે છે

પાલનપુર,તા.૧૨ : બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી મંદિરમાં દર્શને આવતાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન મળશે. સદાવ્રત પ્રોજેક્ટ હેઠળ ૧૪ જૂનથી સેંકડો ભક્તોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે. અંબાજી મા જગદંબાનું મંદિર છે અને અહીંયા દર વર્ષે માતાના દર્શન કરવા માટે હજારો ભક્તો આવે છે.

અંબાજી મંદિરના ટ્રસ્ટે સદાવ્રત માટે અંબિકા ભોજનાલયની શરૂઆત કરી હતી, જેનું સંચાલન જલિયાણા સદાવ્રત દ્વારા સંચાલિત જય જલિયાણા ફાઉન્ડેશન કરતું હતું.

સદાવ્રતનું આયોજન ત્રણ મહિના માટે કરવામાં આવ્યું છે અને તે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલના નિરીક્ષણ હેઠળ સંચાલિત કરવામાં આવશે, જેઓ અંબાજી મંદિરમાં સંચાલન કરતાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના પૂર્વ પ્રભારી છે. એએએમડીટીના વહીવટદાર એસજે ચાડવાએ જણાવ્યું હતું કે, મંદિર દર વર્ષે લગભગ ૨૦ લાખ ભક્તોને ભોજન પૂરું પાડતું હતું, પરંતુ ટોકનની કિંમતે.

જો કે, કેટલાક દાતાઓ આગળ આવ્યા હકા અને મંદિરના ટ્રસ્ટ વતી વિનામૂલ્યે ભોજન પૂરું પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પટેલે ફૂડ મેનેજમેન્ટ તે દાતાઓને સોંપવાનું નક્કી કર્યું છે, તેમ ચાવડાએ કહ્યું હતું.

અમે ફ્રી ફૂડ પ્રોજેક્ટ હંમેશા માટે યથાવત્ રાખવા માગીએ છીએ. જો કે હાલ મંદિરનું મેનેજમેન્ટ પ્રાયોગિક ધોરણે ત્રણ મહિના માટે પ્રોજેક્ટને લઈને સંમત થયા છે.

પ્રોજેક્ટને યથાવત્ રાખવાનો નિર્ણય ત્રણ મહિના પછી તેની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે. અંબાજી મંદિરની વાત કરીએ તો, કોરોના મહામારીની બીજી લહેરના કારણે તે છેલ્લા બે મહિનાથી બંધ હતું. જો કે, સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતાં બે મહિના બાદ આજે ફરી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા છે. જો કે, નિર્ધારિત સમયે મંદિર પરિસરમાં ૫૦થી વધુ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

મંદિરમાં આવેલા ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે યોગ્ય પગલા લેવાશે. કોઈ પણ ભક્તોને મંદિરની અંદર ઉભા રહેવાની મંજૂરી અપાશે નહીં, તેઓ ઝડપથી દર્શન કરીને બહાર જઈ શકે છે. થર્મલ સ્ક્રીન અને ફરજિયાત માસ્ક પહેર્યા બાદ દરેકને અંદર પ્રવેશ આપવામાં આવશે.

(8:50 pm IST)