Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

૫૯૫૦ સગર્ભા મહિલાઓને સુરક્ષિત હોસ્પિટલમાં ખસેડાઈ

એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાઈઃ વાવાઝોડાના પગલે હજુ સુધી ચાર લાખથી વધુનું સ્થળાંતર

અમદાવાદ,તા.૧૩: હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ વાવાઝોડું વેરાવળથી ૧૧૦ કિલોમીટરની ઝડપથી દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ૧૫૦ કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. અગમચેતીના પગલારૂપે ૧૦ જિલ્લામાંથી ચાર લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો, આ ૧૦ જિલ્લાની ફુલ ૫૯૫૦ સગર્ભા બહેનોને ૩૮૩ એમ્બ્યુલન્સના માધ્યમથી વિવિધ હોસ્પિટલોમાં સુરક્ષિત ખસેડવામાં આવી હતી જેના અનુસંધાનમાં ભાવનગરનાં કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાનાં કારણે ગઇકાલે મોડીરાતે ૧૫ ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ હતી. જેમાંથી ચાર  મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો. સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં ખસેડવાની અને તેમની ડિલીવરી વખતે કોઇ તકલીફ ના પડે તે પ્રકારનું માનવીય અભિગમ સાથેનું આયોજન કરવા બાદ તંત્ર અને એનડીઆરએફ સહિતની બચાવ ટીમોની કામગીરી ભારોભારો પ્રશંસનીય બની રહી છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદના દરિયા વચ્ચે આવેલા શિયાળબેટ ગામે એક ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતાં ભારે તોફાની પવન અને વરસાદની પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમ તેને બોટ મારફતે રાજુલા મેડિકલ સેન્ટર ખાતે લઇને પહોંચી હતી, જયાં આ મહિલાએ બાળકીને જન્મ આપતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી અને લોકોએ એનડીઆરએફની ટીમની ભારોભારો પ્રશંસા કરી હતી. વાયુ વાવાઝોડું ભયજનક છે અને સરકારે આપેલું એલર્ટ હજુ પણ યથાવત છે ત્યારે સ્થળાંતર થયેલા જે લોકો આશ્રયસ્થાનોમાં રહ્યાં છે તે લોકો ત્યાં જ રહે તેવી સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી વ્યવસ્થા ચાલુ જ રહેશે. વાયુ વાવાઝોડાથી પ્રભાવિત ૧૦ જિલ્લાઓમાં હજુ સુધી એક પણ જાનહાનિ થઈ નથી. વરસાદની વર્તમાન સ્થિતિ અંગે બાયસેગના સચિવે જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને વાવાઝોડાના સંકટ વચ્ચે તમામ પોર્ટ પર આપેલું ૯ નંબરનું સિગ્નલ યથાવત છે.

(9:41 pm IST)
  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST