Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ડેટા હેક કરી છેતરપિંડી કરતી નાઇઝિરિયન ટોળકી પકડાઈ

રૂપિયા વિવિધ વોલેટમાં ટ્રાન્સફર કરતા હતાઃ ગુજરાતના ૧૧ અને દેશના અલગ અલગ રાજ્યમાંથી કુલ ૪૭૨૭ લોકો સાથે છગાઈ આચરી હતી : અહેવાલ

અમદાવાદ,તા. ૧૩: લોકોના બેંક એકાઉન્ટ, મોબાઈલ તેમજ અન્ય ડેટાબેઝ હેક કરી છેતરપિંડી કરતી નાઇઝીરીયન ગેંગની અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે મુંબઈથી ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. સાયબર ક્રાઇમબ્રાંચની તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, લોકોના પડાવેલા રૂપિયા વિવિધ બિટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા ત્યાંથી અન્ય બિટકોઈન વોલેટમાં ટ્રાન્સફર કરી વિદેશ મોકલવામાં આવતા હતા. ગુજરાતના ૧૧ સહિત ભારતના અલગ-અલગ રાજ્યમાંથી કુલ ૪૭૨૭ લોકો સાથે ૧ કરોડથી વધુની છેતરપિંડી આચરી છે. તપાસ એજન્સી હવે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે, જેમાં નવા ખુલાસાઓ આગામી દિવસોમાં સામે આવવાની શકયતા છે. અમદાવાદના ડોક્ટર તેજસ શાહના નેટબેંકીગ સર્વિસનો આઇપીન(પાસ વર્ડ) રીસેટ કરી બેક એકાઉન્ટમાંથી રૂ.૨.૧૦ લાખનું કોઈ અજાણી વ્યક્તિએ ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. બાદમાં કેથોલીક સિરીયન બેંકમા તેજસ શાહના નામનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. તા.૨૧ જૂન,૨૦૧૮નાં રોજ તેમના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો. જે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો હોવાનું માની તે લિંક ક્લિક કરી જેમાં ઈન્કમટેક્ષ વિભાગની વેબસાઇટ ઓપન થઈ હતી, જેમાં ફરિયાદીને રીફંડ ક્લેમ કરવા માટે પોતાના બેંક એકાઉન્ટની વિગત આપવાનું જણાવ્યું હતું. જે મુજબ ફરિયાદીએ વેબસાઈટમાં જણાવેલી બેંકોમાંથી પોતાની એચડીએફસી બેંક જેવું જ દેખાતું એક વેબપેઝ ઓપન થયું હતું. જેમાં પુરેપુરી વિગતો આપી હતી અને મોબાઇલ વેરીફીકેશન સર્ટિફિકેટ નામની એપ્લિકેશન વેબસાઈટમાં જણાવ્યાં મુજબની ડાઉનલોડ કરીને રાખી દીધી હતી. ત્યારબાદ તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. સાયબર ક્રાઈમની ટીમે તેજસ શાહને આવેલા મેસેજમાં વિવિધ પ્રકારના નંબરો સાથેના કોડ લખેલા હતા.

આ નંબરોના આધારે ઓપન સોર્સ ઇન્ટેલીજન્સ, ટેક્નિકલ તેમજ ઓપન સોર્સીસથી તપાસ કરતા આરોપીના મોબાઈલ નંબર શોધી મુંબઈથી આરોપીઓ (૧) ઇદ્રીશ ઓડુનાયો ડીકોસ્ટા (ઉ.વ.૨૫, રહે. ક્રીસ્ટલ બીલ્ડીંગ, ફીલ્મ સીટી રોડ, ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ, મુળ રહે. નાઇજીરીયા), (૨) ઈફાઈન ઓલીવર ઓધુ (ઉ.વ.૩૨, રહે. ક્રીસ્ટલ બીલ્ડીંગ, ફીલ્મ સીટી રોડ, ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ મૂળ.નાઈજીરીયા) (૩) સીનેડુ ક્રિસ્ટોફર જોસેફ (ઉ.વ.૩૬, રહે. આફીકા બિલ્ડીંગ, ખારાગર, નવી મુંબઈ મૂળ,નાઇજીરીયા) તેમજ બેંક એકાઉન્ટ આપનાર (૪) ઈરફાન અહેમદખાન દેશમુખ (ઉ.વ.૩૫, રહે. સેક્ટર-૧, ચામુંડા હિલ બિલ્ડીંગ, કરનજાડે, પનવેલ, નવી મુંબઈ) અને તાબીસ અહેમદખાન દેશમુખ (ઉ.વ. ૨૮, રહે.સત્યમ હાઈટસ, સેકટર-૮, સેંટ મેરી ચર્ચ પાસે, કલંબરી, નવી મુંબઈ) (૫) રાજેશ ચંદ્રકાન્ત ગાયકવાડ (ઉ.વ. ૩૪ રહે. શિવશંકર કોટેઝ, પનવેલ, નવી મુંબઈ) (૬) નિજામુદ્દીન નુરબાદશાહ શેખ (ઉ.વ.૩૩ રહે.સીતા કેમ્પ, મુંબઈ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૧૨ મોબાઇલ, ૪ પાસપોર્ટ, ૧ ડોંગલ અને ૧ પેનડ્રાઇવ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યાે હતો.

(9:36 pm IST)