Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

હજુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો જ નથી : પકંજકુમારનો મત

આગામી બે દિવસ દરિયાઇ વિસ્તારમાં એલર્ટ રહેશે : વાવાઝોડાના કારણે બંધ કરાયેલા વિજળીના ૭૨૬ ફીડરો ફરી શરૂ થયા : ૧૯૫૭ ગામડામાં વિજ સેવા પુનઃસ્થાપિત

અમદાવાદ, તા. ૧૩ : વાયુ વાવાઝોડાનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નહીં હોવાની વાત આજે અધિક મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના કાઠાના વિસ્તારમાં ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે, વેરાવળથી ૧૧૦ કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં વાવાઝોડુ સ્થિર થયું છે. વાવાઝોડાના સામના માટે પહેલાથી જ રાજ્ય સરકાર દ્વારા આગતરું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રણ લાખથી વધુ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. ૧૦ લાખ ફુડ પેકેટ પણ તૈયાર કરાયા હતા. આરોગ્ય સેવા, સંદેશા વ્યવહાર, વિજળી, રસ્તા, પીવાના પાણીની સુવિધા જેવી પાયાની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. બસ, રેલવે અને વિમાની સેવાને હાલપુરતી બંધ રાખવામાં આવી છે.

આગામી બે દિવસ સુધી દરિયાઇ વિસ્તારમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિ ઉપર સરકારની ચાંપતી નજર છે. તમામ કામગીરી યુદ્ધના ધોરણે રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, નાગરિકો આશ્રય સ્થળ કે સુરક્ષિત જગ્યાએ આશરો લઇ રહ્યા છે. ૪૮ કલાક સુધી સ્થળ ન છોડવા માટે લોકોને કહેવામાં આવ્યું છે. તેમને ભોજન, પાણી તથા આરોગ્યની સુવિધા આપવામાં આવી છે.

વાવાઝોડા દ્વારા થયેલા નુકસાન અંગે માહિતી આપતા પંકજકુમારે કહ્યું હતું કે, વિજળીના ૯૫૧ ફીડર બંધ થઇ ગયા હતા જે પૈકી ૭૨૬ પૂર્વવત કરી દેવામાં આવ્યા છે. ૨૨૫ ફીડરોને પણ ચાલુ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. ૧૯૫૭ ગામડાઓમાં વિજ સેવાઓ ફરી શરૂ થઇ રહી છે. દરિયાઇ વિસ્તારમાં જરૂરી સેવાઓ હાલમાં બંધ છે. એનડીઆરએફ, સેના, નૌકા સેનાની ટીમો સક્રિય થયેલી છે. પકંજકુમારે કુદરતી આપદામાં એકબીજાને મદદરુપ થવા નાગરિકોને અપીલ કરી હતી.

(8:37 pm IST)