Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

હિંમતનગરના ગાંભોઇ-ભિલોડા રોડ પર બોલેરો જીપને ટક્કરે ગંભીર ઘવાયેલ માસુમ ભાઈ બહેનના કરૂણમોત

અકસ્માત સર્જનાર જીપ ડાલાના ચાલકે અન્ય એક બાઇક ચાલકને પણ હડફેટે લીધો

હિંમતનગર તાલુકાના ગાંભોઇ-ભિલોડા માર્ગ પર  બામણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આવતા બોલેરો જીપ ડાલાના ચાલકે બે બાળકોને ટક્કર મારી હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ભાઇનું ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હતું, જયારે બહેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. આમ એક સાથે બે ભાઇ-બહેનના કરૂણ મોત થતા બામણા ગામના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જનાર જીપ ડાલાના ચાલકે અન્ય એક બાઇક ચાલકને પણ હડફેટે લેતા નુકશાન થયુ હતું. અકસ્માતની ઘટના સંદર્ભે ગાંભોઇ પોલીસે બોલેરો જીપ ડાલાના ચાલક વિરૂધ્ધ ગુનો દર્જ કરી કાર્યવાહી કરી હતી.

  આ અંગેની વિગત મુજબ બામણા ગામના સ્ટેન્ડ પાસેથી બેફામ ગતિએ પસાર થતા બોલેરો જીપ ડાલા નં.જીજે.૦૯.એયુ.૩૧૪૮ ના ચાલકે બામણા ગામના બે બાળકો ક્રિયા કામીનભાઇ મોઢ પટેલ (ઉ.વ.૯) અને વંશ કામીનભાઇ મોઢ પટેલ (ઉ.વ.૪) ને ટક્કર મારતા બંને સગા ભાઇ-બહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ચાર વર્ષના બાળક વંશનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળ પર મોત થયુ હતું, જયારે બહેન ક્રિયાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે સિવિલમાં ખસેડાયેલ ક્રિયાનું પણ સારવાર દરમિયાન મોત થતા બામણા ગામના મૃતક બાળકના પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ હતી.

અકસ્માતની ઘટના દરમિયાન જીપ ડાલાના ચાલકે એક બાઇક સવારને પણ હડફેટે લીધા હતા. જેમાં બાઇક નં.જીજે.૦૯.સીએમ.૩૯૪૬ સાથે ડાલુ અથડાવતા બાઇક ચાલકને નુકશાન થયુ હતું. જેથી માનપુરના રહીશ કાન્તીસિંહ મગનસિંહ મકવાણાએ બોલેરો જીપ ડાલાના ચાલક વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અકસ્માતની ઘટના બાદ જીપ ડાલાનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી ભાગી છૂટયો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બામણા ગામના સ્ટેન્ડ પાસે બંને માસૂમ ભાઇ-બહેન રમી રહ્યા હતા તે દરમિયાન જ જીપ ડાલાના ચાલકે બાળકોને હડફેટે લેતા બંને ભાઇ-બહેન મોતને ભેટતા ગામમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી.

(10:39 pm IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST