Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ ફ્લાઈટો અને ટ્રેનો રદ કરાઇ

સ્થળાંતર-ઇમરજન્સી માટે ખાસ ટ્રેન સુવિધા તૈનાત : સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઈટોને અમદાવાદ-મુંબઇ ડાયવર્ટ કરાઈ : અન્યત્રની ફ્લાઇટો રદ કરવાનો નિર્ણય

અમદાવાદ,તા. ૧૨ :    ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડાને લઇ ભારે ચિંતા અને ભયનો માહોલ પ્રવર્તી રહ્યા છે ત્યારે આ વાયુ વાવાઝોડું આવતીકાલે તા.૧૩ જૂને બપોર સુધી દીવ, ઉના અને કોડિનારથી ૧૬૫થી ૧૭૦ કિમીની ઝડપે ત્રાટકે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. આ વાયુ વાવાઝોડું  દીવ, માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોને લગભગ ૪૮ કલાક સુધી ઘમરોળશે અને આ ગણતરીના કલાકોમાં તેની અસર કરીને તા.૧૫મીએ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે અને તા.૧૬મીએ સાંજ સુધીમાં સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર અને ભારે વિનાશ વેરી શકે તેવી પણ દહેશત વ્યકત થઇ રહી છે ત્યારે રાજય સરકાર, તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એકદમ હાઇએલર્ટ પર છે અને તમામ તૈયારીઓ કરી રખાઇ છે. દીવ, પોરબંદર, ઉના, સોમનાથ, જાફરાબાદ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં અગમચેતી અને સુરક્ષાના ભાગરૂપે તંત્ર અને પોલીસ દ્વારા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો.  અરબી સમુદ્રમાં વેરાવળથી ૩૪૦ કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ આવતીકાલે તા.૧૩ જૂને બપોર સુધી પોરબંદરમાં ત્રાટકશે. ૧૬૫થી ૧૭૦ કિમીની ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે ૮.૦૦ વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોળ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે ૮.૦૦ વાગ્યે ફરી માંગરોળમાં ત્રાટકશે. ત્યારબાદ તા. ૧૪મીએ સવારે ૩ વાગ્યે નવાબંદર, સવારે ૫.૦૦ વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. તા.૧૪મી સાંજે ૬.૦૦ વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને તા.૧૫મીએ વહેલી સવારે ૩.૦૦ વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે અને આખરે આ વાવાઝોડું ૧૬મીએ રવિવાર સાંજ સમુદ્રમાં સમાઇ જશે અને શમી જશે.

(7:23 pm IST)