Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

આણંદમાં ઝૂંપડપટ્ટીમાં દારૂ પીવા ગયેલ યુવાનને ત્રણ શખ્સોએ ઢોર માર મારતા હાલત ગંભીર

આણંદ:શહેરની મેલડી માતા ઝુંપડપટ્ટીમાં આજે બપોરના સુમારે દારૂ પીવા માટે ગયેલા એક યુવાનને ત્રણ શખ્સોએ ગેસની પાઈપથી ઢોર માર મારતાં યુવકને ગંભીર હાલતમાં આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. આ અંગે શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના પરીખભુવનમાં રહેતો અને પથિકાશ્રમ પાસે મરી-મસાલા વેચીને જીવન ગુજરાન ચલાવતો રમેશભાઈ મનજીભાઈ દાતણીયા બપોરના સુમારે મેલડી માતા ઝુંપડપટ્ટીમાં દેશી દારૂ પીવા માટે ગયો હતો. જ્યાં દારૂ વેચતા ઈરફાન, સીરાજ અને બોડીયો નામના શખ્સ સાથે તકરાર થતાં ત્રણેય જણા ગેસની પાઈપ લઈને તેના પર તુટી પડ્યા હતા અને માથામાં ફટકો મારીને તેમજ બરડાના ભાગે ઢોર માર મારતાં સોડ પડી જવા પામ્યા હતા. દરમ્યાન અન્ય લોકોએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવ્યો હતો. ત્રણેય શખ્સો ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. આ તરફ યુવકના પરિવારજનોને જાણ કરતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસે પણ આ અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:33 pm IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST