Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મોબાઇલ પોકેટ કોપ એપને મળેલો ફિક્કી સ્માર્ટ એવોર્ડઃ દેશમાંથી આવેલા ૨૦૦ નોમિનેશનમાંથી પસંદગી કરાઇ

ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત એપ્લિકેશન કાર્યરત

અમદાવાદ,તા.૧૩: રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજી તથા મોબાઈલ ગવર્નન્સની પહલે કરી ગુજરાતે ડિજિટલ ક્ષેત્રે અનેક નવા આયામો અમલી બનાવાયા છે. ગુજરાત પોલીસને ટેકનો સેવી બનાવીને ગુન્હા સંશોધન માટે ઝડપ આવે તે આશયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મોબાઈલ પૉકેટ કૉમ એપ્લિકેશન કાર્યરત કરાઈ છે. રાજ્ય સરકારનો આ નવતર અભિગમ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયો અને તેને ફિક્કી સ્માર્ટ પોલીસીંગ એવોર્ડ-૨૦૧૮ એનાયત થયો છે. પોલીસ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થકી કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી મળેલ એવોર્ડ અંગે અભિનંદન આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારે સંવેદનશીલતા, પ્રગતિશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાના સિદ્ધાંતો થકી દેશનો નવો રાહ ચિન્ધયો છે ત્યારે ડિજિટલ ભારતના નિર્માણમાં પણ ગુજરાત દેશનો નવો રાહ ચિન્ધશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને દીર્ધદ્રષ્ટિના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. મંત્રીએ ઉમેર્યું કે, મોબાઈલ પૉકેપ એપ્લિકેશનના એવોર્ડ માટે દેશભરમાંથી ૨૦૦ જેટલા નોમિનેશન આવ્યા હતા. જે પૈકી ગુજરાતની પસંદગી કરાઈ છે. જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. આ એવોર્ડ નવી દિલ્હી ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં સ્ટેટેટિક્સ અને પ્રોગ્રામ ઈમ્પીમેન્ટેશન વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી વિજય ગોયલના હસ્તે એનાયત થયો હતો. તેમણે કહ્યું કે, પૉકેટ કૉપ મોબાઈલ એપ્લિકેશન અંતર્ગત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની તમામ બ્રાન્ચોને આવરી લેવાઈ છે. જેમાં સીઆઈડી ક્રાઈમ, લાંચરુશ્વત વિરોધી બ્યુરો, એટીએસ તેમજ ક્રાઈમ બ્રાન્ચને પણ સાંકળીને ગુન્હા સંશોધન અને ગુન્હાની તપાસ, પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી રાજ્યમાં સફળ રીતે થઈ રહી છે.

આ પ્રોજેક્ટ હેઠળ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી સંભાળતા ૪૯૦૦ પોલીસ કર્મીઓને સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેકટીવીટીની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. અન્ને ઉલ્લેખનીય છે કે, પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આજ સુધીમાં રાજ્યના તમામ શહેર-જિલ્લાઓમાં ખુબ જ ઓછા સમયમાં સરળતાથી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ૫૮૩૭૮ પાસપોર્ટ વેરીફિકેશનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા અરજદાર નાગરિકોને ઘરે જઈને વેરીફિકેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. એ જ રીતે ગુન્હાઓમાં સંડોવાયેલા ગુન્હેગારોની શોધ માટે એપ્લિકેશન દ્વારા ૯૩૦૦ ગુનેગારોને તમામ અધિકારીઓ દ્વારા શોધી કઢાયા છે. ગુન્હામાં વપરાયેલા સાધનોની શોધ હેઠળ ૨૪૬૭૪ જેટલા વાહનો શોધી કઢાયા છે. તેમજ રાજ્યમાં ખોવાયેલા  વ્યક્તિને શોધી કાઢવામાં સફળઈતા મળી છે. ઉપરાંત એપ્લીકેશનમાં અક્ષાંશ અને રેખાંશની માહિતી લઈ શકાય તેવી સુવિધા પણ વિકસાવાઈ છે. જેના કારણે તપાસ અધિકારીઓ ગુન્હાવાળી જગ્યાના પંચનામાં દરમિયાન તેમજ પાસપોર્ટના વેરીફિકેશન કામગીરીમાં ચોક્કસ સમય અને સ્થળની માહિતી મેળવી શકે છે.

(9:36 pm IST)