Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

આંતરીક મતભેદના કારણે ધોળકા તાલુકા પંચાયતની સત્તા ગુમાવતુ ભાજપઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાના ગઢમાં ગાબડુ

અમદાવાદઃ 2019ની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધતી જતી હોય તેમ જણાઈ રહ્યું છે. એક પછી એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની સત્તા પર કોંગ્રેસ કબ્જો કરી રહી છે. આ વખતે કોંગ્રેસે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના ગઢ ગાબડું પાડ્યું છે. કોંગ્રેસે ધોળકા તાલુકા પંચાયત પર કબજો જમાવી ભાજપની સત્તા છીનવી લીધી છે.

મળતી માહિતી મુજબ, ધોળકા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવી, જેમાં કોંગ્રેસના પક્ષમાં વધારે મત પડતા કોંગ્રેસના સભ્ય હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સંભાળશે. તાલુકા પંચાયતમાં આંતરીક મતભેદના કારણે ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

ધોળકા તાલુકા પંચાયતમાં કુલ 22 સભ્યો છે, જેમાં 11 કોંગ્રેસના અને 11 બાજપના સભ્યો હતા. આ પહેલા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો હતો, પરંતુ આ વખતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાં આંતરીક જુથવાદના કારણે ભાજપના 3 નારાજ સભ્યો મતદાન સમયે ગેરહાજર રહ્યા, જેથી કોંગ્રેસે તેનો લાભ લઈ તાલુકા પંચાયત હસ્તગત કરી લીધી. છે.

કોંગ્રેસના સભ્યોની  જીત થતાં. પ્રમુખ પદ પર કોંગ્રેસના દિવ્યાબેન સિસોદિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ પર તેજાભાઈ બારડ ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેવા સમયમાં ભાજપમાં સ્થાનિક સ્તર પર આંતરિક જુથવાદના કારણે એક પછી એક તાલુકા પંચાયત, નગર પાલિકામાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવી રહ્યો છે. જે ભાજપ માટે મોટો ચિંતાનો વિષય બની ગયો છે.

(7:42 pm IST)