Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મગફળીની ખરીદીમાં મોટા પ્રમાણમાં ગોટાળાઃ ધૂળ અને માટીનું પ્રમાણ વધુઃ રાજ્ય સરકાર સામે પ્રહારો કરતા નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડા

રાજકોટઃ થોડા દિવસો પહેલા રાજકોટના શાપર, વેરાવળ, જામનગર અને ગાંધીધામમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા. જે મામલે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મગફળી મામલે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

વાઘજી બોડાએ રાજ્ય સરકાર પર પ્રહારો કરી જણાવ્યું હતું કે, કૃષિમંત્રી આર.સી. ફળદુએ કહ્યું હતું કે, મગફળી સળગવા માટે નાફેડ જવાબદાર છે પરંતુ આરસી ફળદુના આરોપો પયાવિહોણા છે. આથી સરકાર આ અંગે તપાસ કરાવે તે જરૂરી છે. 14 ગોડાઉન અત્યાર સુધી ખુલ્લા હતા. જેમાં શાપર વેરાવળ, ગોંડલ અને ગાંધીધામમાં આવેલા ગોડાઉનમાં જ આગ લાગી હતી. બધા ગોડાઉન વેરહાઉસ અને ગુજકો એજન્સીના છે. તેમને કહ્યું કે નાફેડમાં સાત વ્યકિતની કમિટી ખરીદ-વેચાણ નકકી કરે છે અને નાફેડનું કામ ગાઈડ લાઈન આપવાનું છે. રાજયના ફેડરેશન ખરીદીના કેન્દ્રો ખોલે છે. નાફેડ ગુજકોમાસોલને ખરીદી આપે છે. પરંતુ ગુજરાત સરકારે પોતાની રીતે ખરીદ કેન્દ્ર શરૂ કર્યા છે. આડેધડ રીતે ખરીદ કેન્દ્રોને મંજુર કરી દીધા છે.

બોડાએ કહ્યું કે નાફેડની મગફળી ખરીદીમાં મોટો પ્રમાણમાં ગોટાળા થઇ રહ્યા છે કારણ કે મગફળીમાં મોટા પ્રમાણમાં ધૂળ અને માટીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગોડાઉનમાં લાગેલી આગ અને મગફળીના કોથળામાં માટી ભેળવવામાં વેરહાઉસ જવાબદાર છે. કારણ કે કેન્દ્ર સરકારના નિયમો નેવે મૂકી ગોડાઉન રાખ્યા છે અને અયોગ્ય ગોડાઉન ભાડે રખાયા છે. જે ગોડાઉનમાં આગ લાગી છે તેના માટે વેર હાઉસ અને APMC જવાબદાર છે.

આ સાથે જ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત હવે યુપી અને બિહાર જેવું થઈ રહ્યું છે. બોડાએ સરકાર પાસે માગણી કરી છે કે રાજ્ય સરકાર તપાસ કરાવે કે મગફળીમાં ધૂળ ક્યાંથી આવી અને સમગ્ર આગ લાગવા પાછળ જવાબદાર કોણ છે. કારણ કે નાફેડ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂત માટે આશરે 60 વર્ષ પહેલાં રચાયેલી સંસ્થા છે. નાફેડ ભારતમાંથી ખેડૂતોની જણસીનું ખરીદ-વેચાણ આયાત નિકાસ કામ કરે છે.

(9:15 am IST)