Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અમદાવાદમાં ઈદના તહેવાર પૂર્વે ચાર જીવતા બોમ્બ સાથે એક યુવક ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે રિવરફ્રન્ટ પાસેથી જાવેદખાન ઉર્ફે બાબા, ઉર્ફે જિલલતી અકબર ખાન બ્લોચ નામના 38 વર્ષીય યુવકની ધરપકડ કરી:બોમ્બનો સામાન ક્યાંથી લીધો, કોની પાસેથી લીધોએ તમામ દિશામાં પૂછપર

અમદાવાદ શહેરમાં હાથ બનાવટના દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઈદના તહેવાર પૂર્વે શહેરમાં ચાર જીવતા બોમ્બ સાથે એક યુવક ઝડપાતા ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાન્ચે યુવકને ઝડપી જીવતા બોમ્બ BDDSની મદદથી કર્યા છે અને આરોપી યુવકની પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કિસન કાપડની થેલીમાં દેશી હાથ બનાવટના જીવતા બોમ્બનો જથ્થો લઈ દાણીલીમડા તરફના રિવરફ્રન્ટની ફૂટપાથ ઉપર ચાલતો સરદાર બ્રિજ નીચેના રિવરફ્રન્ટ થઈ એલીસબ્રિજ તરફ જઈ રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રિવરફ્રન્ટ પાસેથી જાવેદખાન ઉર્ફે બાબા, ઉર્ફે જિલલતી અકબર ખાન બ્લોચ નામના 38 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

આરોપીને તપાસ કરતા તેની પાસેથી હાથ બનાવટના દેશી ચાર બોમ્બ મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચે તરત જ બોમ્બ ડિસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવી મળી આવેલા બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ ડિફ્યુઝ કર્યા હતા. પકડાયેલો આરોપી દરિયાપુરના પોપટીયા વાડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી જાવેદ ખાનની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે આ દેશી બોમ્બ તેણે પોતાની પાસેથી પૈસા લેવાના વ્યક્તિને બીજાઓ પહોંચાડવા માટે બનાવ્યા હતા.

આરોપી જાવેદખાન નશાનો બંધાણી હોય જેથી નશા કરવા માટે અન્ય યુવક પાસેથી પૈસાની લેવડ દેવડ કરતો હતો અને પોતાની પાસેથી પૈસા લેનાર વ્યક્તિને જાહેરમાં કોઈ પણ જગ્યાએ મળે તો તેને આ બોમ્બ ફેંકીને મારી ઈજાઓ પહોંચાડવાનો તેનો હેતુ હતો, જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે વર્ષ 2002માં તેણે આ બોમ્બ બનાવતા શીખ્યા હતા.

બોમ્બનો સામાન ક્યાંથી લીધો, કોની પાસેથી લીધોએ તમામ દિશામાં પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીની રિમાન્ડ દરમિયાન નવા ક્યાં ખુલાસાઓ સામે આવે છે.

(11:58 pm IST)