Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે મિની ઓક્સિજન પ્લાન્ટ ગુરુવાર થી કાર્યરત કરાયો

દર કલાકે ૧૦ હજાર લીટર ઓક્સિજનનું થનારૂં ઉત્પાદન વધુ ૮૦ બેડને ઓક્સિજનનો જથ્થો અવિરત પૂરો પડાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને  નર્મદા  જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝિટીવ દરદીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા દરદીઓ માટે જિલ્લામાં પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનની જથ્થા ઉપલબ્ધિ માટે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા નર્મદા જિલ્લામાં કોરોના દરદીઓની સારવાર માટે મહત્તમ ઓક્સિજનના જથ્થાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે CSR ફંડ હેઠળ વડોદરાની હેમાની એન્ટરપ્રાઇઝ કંપનીના સહયોગથી નર્મદા જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલને મિની ઓક્સિજન પ્લાન્ટ ડોનેશનરૂપે પ્રાપ્ત થયો છે.
આ મીની ઓક્સિજન પ્લાન્ટ આજે ખૂલ્લો મુકીને તેને  કાર્યરત કરાયો છે.

  રાજપીપલાની આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના આર.એમ.ઓ. ડૉ. મનોહર મજીગાંવકરે આપેલી માહિતી મુજબ નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના આ હોસ્પિટલ ખાતે જરૂરીયાત મુજબના ઓક્સિજનના જથ્થાની ઉપલબ્ધિ માટેના સુચારૂં આયોજનના ફળ સ્વરૂપે ઉક્ત કંપની દ્વારા ડોનેશન રૂપે પ્રાપ્ત થયેલ આ મિની ઓક્સિજન પ્લાન્ટના ઇન્સ્ટોલેશન માટેના તમામ પ્રકારની જરૂરીયાત મુજબની લાઇનો નાખવાની કામગીરી આગોતરી રીતે પૂર્ણ કરાયેલ હોવાથી આજે તેના ઇજનેરો દ્વ્રારા આ મીની ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીને તેને કોવિડ-૧૯ હોસપિટલના નોડલ ઓફિસર અને સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, આર.એમ.ઓ. ડૉ. મનોહર મજીગાંવકર, ઓક્સિજન પ્લાન્ટની કામગીરી સાથે સંકળાયેલ નોડલ અધિકારી અને અધિક કલેક્ટર હિમાશુંભાઇ પારેખ, નાયબ કલેક્ટર બી.એ.અસારી અને  એ.આઇ. હળપતિ સહિતના જિલ્લા વહિવટી તંત્ર- આરોગ્ય તંત્રના અધિકારીઓ અને અન્ય તબીબો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટ ખૂલ્લો મૂકવામાં આવ્યો છે.

 આ પ્લાન્ટ દ્વારા દર કલાકે ૧૦ હજાર લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરાશે. કોવિડ-૧૯ ની અહીંની હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત વધુ ૮૦ જેટલાં બેડને આ ઓક્સિજન પ્લાન્ટ મારફત  ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ થશે. તદઉપરાંત  હાલમાં વધુ ૧૦ ICU બેડની પાત્રતા સંદર્ભે વધુ ૧૦ ICU બેડની સુવિધા ઉભી થયેથી  આ વધારાના  ૧૦ ICU બેડને પણ અલાયદી લાઇન દ્વારા ઓક્સિજનનો જથ્થો પૂરો પાડી શકાશે.

(10:43 pm IST)