Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગ્રામ્ય સ્તરે ૫૦ બેડ સુધીની વ્યવસ્થા વાળા ૧૫ હજાર થી વધુ કોમ્યુનિટી કોવિડ કેસ સેન્ટર શરૂ કરાયા

દાખલ દર્દીઓને બિન જરૂરી ચિંતા ટાળવામાં મદદ કરાય છે

ગાંધીનગર:મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” રાજ્ય વ્યાપી અભિયાન અન્વયે રાજયમાં 14246 ગ્રામ પંચાયતોમાં વસ્તીને ધ્યાને લઇ તેમજ સ્થાનિક જરૂરીયાતને ધ્યાને લઇ 5 બેડથી લઇ 50 બેડ સુધીની વ્યવસ્થાવાળા 15000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) શરૂ કરવામાં આવ્યા છે. ગામમાં કોઇ સંક્રમિત વ્યક્તિને રહેઠાણમાં અલાયદા રૂમની વ્યવસ્થા ન હોય ત્યારે તે આજુબાજુના અન્ય લોકોને સંક્રમિત ન કરે તેમજ અલગ રૂમમાં એકલા રહેવાથી દર્દી ડીપ્રેશનમાં ન આવી જાય તેવા હેતુથી આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ખાતે આઇસોલેટ કરવામાં આવે છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓ દાખલ થયેલા દર્દીઓને કોરોના બાબતે બિનજરૂરી ચિંતા ટાળવામાં અને ઝડપથી કોરોના મુક્ત થવા પ્રોત્સાહિત કરે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ફેલાવો વધે નહીં અને ગામડાઓ કોરોના મુક્ત રહે તેવા આરોગ્યલક્ષી ભાવથી ૧લી મે -ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરાવ્યું છે. “મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછું એક અને વસ્તી અને કેસોની સંખ્યા વધુ હોય તો જરૂરીયાત પ્રમાણે એક થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) તૈયાર કરાયા છે.

કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર સરકારી શાળા, સમાજવાડી, કોમ્યુનિટી હોલ, રાજીવગાંધી ભવન, અન્ય સરકારી મકાનની બીલ્ડીંગોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રોના સંચાલનમાં ગામના સામાજીક આગેવાનોની સમિતિ, સેવાભાવી સંસ્થાઓ, ગામના સરપંચ-તલાટી કમ મંત્રી, શાળાના આચાર્ય તેમજ મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફનો સહયોગ અને પાયાની સુવિધાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સેન્ટર ઉપર રહેવાની ઉત્તમ વ્યવસ્થા ઉપરાંત ભોજન, શુદ્ધ પીવાના પાણી અને શૌચાલય સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. એટલું જ નહી આવા સેન્ટરમાં આઇસોલેશનમાં રહેલા વ્યક્તિઓના ભોજન વગેરેની સુવિધાઓ ખુદ ગામના યુવાનો અને દાતાઓ ઉપાડે છે.

કોવિડ-૧૯ ના ૮૦ ટકા દર્દીઓમાં રોગના લક્ષણો જોવા મળતા નથી કે સામાન્ય પ્રકારના લક્ષણો હોય છે આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવે છે. વધુમાં, જો આવા દર્દીઓને કોઇ અન્ય બીમારી જેમાં ડાયાબીટીસ, બી.પી., હદયની બીમારી ન હોય તો આવા પોઝીટીવ દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) માં આઇસોલેટ કરવાથી ઘરના અન્ય સભ્યોને પાડોશીઓ અને ગામલોકોમાં આ રોગના ચેપનો પોતાના દ્વારા ફેલાવો થતાં રોકી શકાય છે અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તો ગામ કોરોનામુક્ત રહી શકે.

કોવિડ કેર સેન્ટર દાખલ થનાર દર્દી મેડિકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, FHW, MPHW, આશા બહેન દ્વારા કોવિડની સારવાર મેળવે છે. દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર, તેના શરીરનું તાપમાન વગેરે સ્વાસ્થ કર્મીઓ દ્વારા ચોકસાઈપૂર્વક માપવામાં આવે છે. દર્દીને જરૂરી દવાઓ આપવામાં આવે છે જેથી કોરોનાનો ચેપ શરીર મા વધુ પ્રસરતો અટકાવી શકાય. દર્દીને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારતી પ્રોન થેરાપીની તાલીમ સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા આપવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં નવું ઇન્ફાસ્ટ્રકચર તરત ઉભું કરવાને બદલે ગામમાં ઉપલબ્ધ અન્ય ભવનોનો ઉપયોગ કરીને આઇસોલેશન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથેસાથે જયાં પી.એચ.સી. અને સી.એચ.સી. છે ત્યાં પણ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં મંત્રીમંડળના મંત્રીઓને રાજ્યના ૩૩ જિલ્લાઓના ગામોમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર માટે જિલ્લા અધિકારીઓ અને ગ્રામજનો સાથે સંકલન નિરીક્ષણની જવાબદારી સોપવામાં આવી છે. મંત્રીઓ પોતાને સોંપાયેલા જિલ્લાઓના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત- ગ્રામજનો સાથે સંવાદ કરીને જાગૃતિ અને એસ.એમ.એસ, રસીકરણ માટે સૌને પેરિત કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળ બનાવી રહ્યા છે. મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન હેઠળ કોવિડ કેર સેન્ટર અને આનુષાંગિક વ્યવસ્થાઓ ઊભી કરવા પાછળ રાજ્ય સરકારનો હેતુ જનભાગીદારી થકી ગ્રામીણ સ્તરે કોરોનાની બીજી લહેરને ખાળવાનો છે.

મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનને પરીણામે રાજ્યના ગ્રામીણ વિસ્તારો કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓછુ સંક્રમણ થાય તે માટે અત્યારથી જ તૈયાર થઇ રહ્યા છે. સંક્રમણથી બચવાના ઉપાયો સંક્રમિતોના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, સ્ટાન્ડર્ડ દવાઓ, હોમ આઇસોલેશન, હોમ રેમિડિઝ અને એસ.એમ.એસ. બાબતે વધું સજાગ થયા છે. આમ ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાનથી ગ્રામીણ ગુજરાતનું વર્તમાન અને ભાવિ બન્ને સુરક્ષીત થયા છે.

(9:34 pm IST)