Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગુજરાતી સાહિત્યને સમૃદ્વ બનાવનાર સાહિત્યકાર ડો.રશીદ મીરનું ૭૧ વર્ષની વયે નિધન

ગુજરાતી ગઝલ પર PHD કરનાર તેઓ પ્રથમ રિસર્ચ સ્કોલર હતાં!

વડોદરા, તા.૧૩: ઉઠી ગયા છે ભલે 'મીર' ત્યાંથી, ઊભા છે એમની જયાં ડગર છે! ગુજરાતી સાહિત્યને સમૃદ્વ બનાવનાર સાહિત્યકાર ડો.રશીદ મીરનું ૭૧ વર્ષની વયે નિધન..

ગુજરાતી સાહિત્ય જગતને સમૃદ્વ બનાવવામાં અમૂલ્ય ફાળો આપનાર સાહિત્યકાર ડો.રશીદ મીરનું આજે વહેલી સવારે ૭૦ વર્ષની વયે કિડનીની બિમારીને કારણે નિધન થયું છે. જેને લઈને ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતી ગઝલ સમ્રાટ તરીકે ઓળખાતા ડો.રશીદ મીરના દ્યણાં ગઝલ સંગ્રહો, વિવેચન પુસ્તકો તેમજ શોધ નિબંધો પ્રકાશિત થયાં છે. પરંતુ એમ.એસ.યુનિવર્સિટીમાંથી ગુજરાતી ગઝલ પર પહેલી-વહેલી પી.એચ.ડી કરી તેમને ગુજરાતી સાહિત્ય જગતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી હતી.

ડો.રશીદ કમાલુદ્દીન મીરનો જન્મ ઈ.સ.૧૯૫૦માં ૧ જુનના રોજ ખેડા જિલ્લાના બાલાશિનોર પાસેના પડાલ ગામે થયો હતો. પરંતુ વર્ષોથી તેઓ વડોદરામાં સ્થાયી થયાં હતા. તેમણે બાલાશિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી બી.એનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ૧૯૭૫માં નડિયાદની સી.બી.પટેલ આર્ટ્સ પટેલ કોલેજમાંથી એમ.એ અને ઈ.સ.૧૯૮૦માં એમ.એસ.યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી પૂર્ણ કરી હતી.

ત્યારબાદ તેમણે એમઈએસ ગર્લ્સ અને એમઈએસ બોયઝ હાઈસ્કૂલમાં ગુજરાતીના શિક્ષક અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેમની અદ્બૂત રચનાઓ બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં હતા. તેઓ પ્રેમાનંદ સાહિત્ય સભાના ટ્રસ્ટી ઉપરાંત બુધસભા વડોદરાના સંચાલક હતા. તેમજ છેલ્લાં ૩૦ વર્ષોથી 'ધબક' નામથી ગઝલનું ત્રૈ-માસિક ચલાવતાં હતા.

ડો. રશીદ મીરના નિધનથી ગુજરાતી સાહિત્યને ન પુરાય તેવી ખોટ હંમેશા વર્તાશે

ડો.રશીદ મીર જયારે અભ્યાસઅર્થે વડોદરા આવ્યાં ત્યારે તેમની સૌથી પહેલી મિત્રતા મારી સાથે થઈ હતી. તેઓ નારિયેળ જેવું વ્યકિતત્વ ધરાવતાં હતા. ઉપરથી ભલે કડક અને ધીર-ગંભીર દેખાતા હતા. પરંતુ અંદરથી ખૂબ જ નરમ અને બીજાના દુઃખમાં દુખી થનાર ઉમદા વ્યકિત હતા. તે સિવાય મિત્રો સાથે તો તેઓ ખૂબ હસી-મજાક કરતાં હતા. તેમના સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્ય જગતને કદી ન પૂરાય તેવી ખોટ હંમેશા વર્તાશે.

– ગુલામ અબ્બાસ 'નાશાદ', સાહિત્યકાર

ઘણા ગઝલકારો તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયાં છે

ડો.રશીદ મીર મારા ગુરુ હતા. તેમના હાથ નીચે શહેરના ઘણાં પ્રખ્યાત ગઝલકારો તૈયાર થયાં છે. પ્રેમાનંદ સાહિત્ય સભા ખાતે તેઓ દર સપ્તાહે ગઝલનો કાર્યક્રમ યોજતાં હતા. જેમાં શહેરના નવાં ઉભરતાં સાહિત્યકારોને પોતાના વિચારો રજુ કરવા યોગ્ય મંચ મળી રહેતું હતું. જીવનનાં છેલ્લાં પડાવ સુધી તેમને લેખનકાર્ય છોડયું ન હતું. તેઓ ૭૦ વર્ષની વયે પણ ખૂબ એકિટવ હતા.– દિનેશ ડોંગરે.

(11:49 am IST)