Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના સંકટ સમયે નવયુગલનો પ્રેરણાદાયી અભિગમ : રૂ. ૧.૧૧ લાખનો ચેક પી.એમ. કેર ફંડમાં અર્પણ કર્યો

શુભેચ્છારૂપે જે ભેટ, પૈસા મળ્યા તેમાં ખુટતી રકમ મેં ઉમેરીને આજે પી.એમ. કેર ફંડમાં ચેક અર્પણ કરાયો

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભદ્રેશભાઇ પંડ્યાના પુત્ર જીમીના વડોદરા નિવાસી રાજેશભાઇ શેઠની પુત્રી મૈત્રી સાથે તા.૧૨ મે-૨૦૨૦ના રોજ ખુબ જ સાદગીભર્યા લગ્ન થયા હતાં.લગ્નવિધિ સંપન્ન કરીને જીમી ભદ્રેશભાઇ પંડ્યા સજોડે પાલનપુર જઇને રૂ. ૧,૧૧,૧૧૧/- નો ચેક પી.એમ. કેર ફંડમાં બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો.

 આ અંગે પ્રતિભાવ આપતાં નવવિવાહીત યુગલે જણાવ્યું કે અમારા લગ્નપ્રસંગે અમે સેવાકીય કાર્ય દ્વારા આશીર્વાદ મેળવવાનું નક્કી કર્યુ હતું. અમારા આ વિચારને અમારા પરિવારે આનંદ સાથે સમર્થન આપ્યું છે. અમારા લગ્ન ખુબ જ સાદગીથી માત્ર ૨૦ માણસોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. પ્રસંગને અનુરૂપ સ્વજનો, મિત્રો તરફથી શુભેચ્છારૂપે જે ભેટ, પૈસા મળ્યા તેમાં ખુટતી રકમ મેં ઉમેરીને આજે પી.એમ. કેર ફંડમાં ચેક અર્પણ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુત્રના લગ્ન પહેલાં ભદ્રેશભાઇ પંડ્યાએ દાંતા મામલતદાર કમ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની ઓફીસમાંથી લગ્ન યોજવા પરવાનગી માગી હતી. મળેલ પરવાનગી અનુસાર માત્ર ૨૦ માણસોની હાજરીમાં દરેકનું મેડીકલ ચેકઅપ કરીને, સૌએ મોંઢે માસ્ક બાંધીને, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને સાદગીથી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

કલેકટર સંદીપ સાગલેએ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી તેમના અભિગમને બિરદાવ્યો હતો. ચેક અર્પણ પ્રસંગે નવયુગલ સાથે જીમીના પપ્પાઅ ભદ્રેશભાઇ પંડ્યા, અંબાજીના પત્રકાર દશરથભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં

(12:14 am IST)