Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

એકલા દક્ષિણ ગુજરાતમાં 4 લાખથી વધુ એકમો : ત્રણ લાખ કરોડનું પેકેજ અપૂરતું: સપોર્ટ સિસ્ટમથી રાહત મળતી નથી

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતન દેસાઈએ કહ્યું લોન આપવાની વાત કહી પણ વ્યાજ માફી નથી આપી

સુરતઃ સરકારે એમએસએમઈ સેક્ટરને  3 લાખ કરોડનું ફંડ જાહેર કર્યું તે ખરેખર આવકાર્ય છે, પરંતુ તેનાથી આ ક્ષેત્રના નાના ઉદ્યોગકારો કે વેપારીઓને કોઈ લાભ મળે તેવું દેખાતું નથી. સરકારે સપોર્ટ સિસ્ટમ ઉભી કરી છે પરંતુ રાહત કોઈ આપી હોય તેવું જણાતું નથી એમ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું.

 

નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે દેશના એમએસએમઈ સેક્ટર માટે 3 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, તે અંગે પ્રતિક્રિયા આપતા ચેમ્બર પ્રમુખે કહ્યું કે, 3 લાખ કરોડનું પેકેજ એમએસએમઈ માટે ઘણું ઓછું છે. દક્ષિણ ગુજરાતમાં જ વિવિધ ઉદ્યોગો હેઠળ અંદાજે 4 લાખ એમએસએમઈ ઉદ્યોગકારો છે. સરકારે કોલલેટર વિના લોન આપવાની જાહેરાત કરી છે, પરંતુ વ્યાજ માફી નથી આપી.
એક વર્ષ સુધી પ્રિન્સીપલ એમાઉન્ટ પર રાહત અપાઈ છે, પરંતુ વ્યાજ તો ચાલુ જ થઈ જશે. વળી કેટલું વ્યાજ લાગુ પડશે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. વળી, સરકારે બેન્કોને ફંડ આપ્યું છે, જે બેન્કો લોન તરીકે એમએસએમઈને આપશે જેથી બેન્કો કમાશે. એમએસએમઈના નાના ઉદ્યોગકાર કે વેપારીને અત્યારે સીધા લાભની જરૂર છે. હજુ રાહ જોઈએ. કદાચ સરકાર વધુ લાભો જાહેર કરે

   જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ એમએસએમઈ માટે જાહેર કરાયેલી યોજનાઓને સારી ગણાવતા કહ્યું કે, હીરાઉદ્યોગ ક્ષેત્રના નાના કારખાનેદારોને ફરીબેઠાં થવામાં સરકારની યોજનાઓ મદદરૂપ બનશે. ડાયમંડમાં અનેક નાના કારખાનેદારો મશીનરીની ખરીદી માટે એમએસએમઈ યોજના હેઠળની સબસીડી અને લોનનો લાભ લેતા હોય છે, તે તમામને નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલા પેકેજથી સીધો જ ફાયદો થશે.

(11:29 pm IST)