Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉન : ડિપ્રેશનમાં આવેલી યુવતીએ ૭માં માળેથી ઝંપલાવ્યું

વસ્ત્રાલમાં બનેલી કરૂણાત્મક ઘટનાથી ચકચાર : જે દિવસે તેની સગાઈ હતી તે જ દિવસે જનતા કરફ્યૂનું એલાન થયું અને આ પ્રસંગ મુલ્તવી રાખવો પડ્યો હતો

અમદાવાદ, તા. ૧૩ : લોકડાઉન પહેલા પહેલીવાર જ્યારે જનતા કરફ્યુ લાદવામાં આવ્યો ત્યારે ૨૬ વર્ષની તેજલ સોઢા ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. જીવનસાથી માટે લાંબો સમય શોધખોળ કર્યા બાદ વસ્ત્રાલમાં રહેલી તેજલની આખરે સગાઈ નક્કી થઈ ગઈ હતી. જે દિવસે તેની સગાઈ હતી તે જ દિવસે જનતા કરફ્યૂનું એલાન થયું અને આ પ્રસંગ મુલ્તવી રાખવો પડ્યો હતો. સ્થિતિ જલદી સામાન્ય થશે અને સગાઈ પણ થઈ જશે તેવી આશા રાખીને બેઠેલી તેજલ લોકડાઉનનો અમલ શરૂ થઈ જતાં ટેન્શનમાં આવી ગઈ હતી. વળી લોકડાઉન પૂરું થવાના બદલે સતત લંબાતું જ ગયું હતું અને તેના પરિણામે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. માનસિક રીતે ભાંગી પડેલી તેજલ પોતાના પર કાબૂ ના રાખી શકી અને સોમવારે સાંજે તેણે પોતાના સાતમા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી પડતું મૂક્યું. રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ.દવેના જણાવ્યા અનુસાર, લોકડાઉન લંબાતા મૃતકની સગાઈની તારીખ ખેંચાતી ગઈ હતી.

          તે ડિપ્રેશનમાં આવી ગઈ હોવાનું તેનો પરિવાર સારી રીતે જાણતો હતો. તેઓ સતત તેને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હતા. જોકે ઉંમર થઈ ગઈ હોવા છતાં ક્યાંય નક્કી ના થતાં અને નક્કી થયું ત્યારે લોકડાઉનને કારણે સગાઈ ના થઈ શકતા તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. કન્સલ્ટિંગ સાઈકિયાટ્રિસ્ટ હંસલ ભચેચના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં વ્યક્તિની પર્સનાલિટી અને તેની આસપાસનું વાતાવરણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. ઓછી સહનશક્તિ, નાની-નાની વાતમાં ઉશ્કેરાઈ જવું ડિપ્રેશન ટાઈપ ઓફ પર્સનાલિટીના લક્ષણો છે. આવા લોકોને વિશેષ સંભાળ અને પરિવારના અટેન્શનની જરૂર હોય છે.

(8:24 pm IST)