Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના : ૨૪ કલાકમાં ૨૯ લોકોના મોત, મૃતાંક ૫૬૬

રાજ્યમાં ૨૪ કલાકમાં ૩૬૪ નવા કેસ થયા : અમદાવાદમાં ૨૯૨, સુરતમાં ૨૩, વડોદરામાં ૧૮ કેસો સાતના કોરોનાથી, ૨૨ના અન્ય બિમારી, કોરોનાથી મોત

અમદાવાદ,તા.૧૩ : રાજ્યમાં કોરોના કહેર યથાવતરીતે જારી રહ્યો છે. કોરોના અંગે આરોગ્ય વિભાગના સચિવ જ્યંતિ રવિએ આજે વિગતવાર માહિતી આપી હતી. સચિવ જ્યંતિ રવિએ માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૬૪ નવા કેસો નોંધાયા છે.  રાજ્યમાં ૨૪ કાલકમાં કુલ ૨૯ લોકોના મોત થયા છે અને મોતનો આંકડો વધીને રાજ્યમાં ૫૬૬ પર પહોંચ્યો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં જે ૩૬૪ નવા કેસો નોંધાયા છે તે પૈકી અમદાવાદમાં ૨૯૨, વડોદરામાં ૧૮, સુરતમાં ૨૩, મહેસાણામાં ૮, દેવભૂમિ દ્વારકામાં ૭, ભાવનગર અને જામનગરમાં ૩-૩ કેસનો સમાવેશ થાય છે જ્યારે પાટણમાં બે, પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી, મહિસાગર, જુનાગઢ અને અમરેલીમાં ૧-૧ કેસ નોંધાયા હતા. વધુ માહિતી આપતા જ્યંતિ રવિએ કહ્યું હતું કે, સાત લોકોના મોત કોરોનાથી થાય હતા જ્યારે ૨૨ના અન્ય બિમારી, હાઇરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૯૨૬૮ ઉપર પહોંચી ચુકી છે.  અત્યાર સુધી બાકી રહેલા અમરેલી જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સમગ્ર ગુજરાત કોરોનાની ઝપટમાં આવી ગયું છે.

રાજ્યમાં તબક્કાવાર લોકડાઉનમાં હળવાશ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે એસટી બસ સેવા શરૃ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બસો ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં બસો દોડાવવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજય રૃપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે ૧૧ વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વિરમગામના રહેવાસી ૬૫ વર્ષીય મુસ્તાકભાઇ વેપારી ૧૧ મેના રોજ તાવ અને છેલ્લા સાત દિવસથી શ્વાસની તકલીફ થતા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. મંગળવારે રાતે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને હાયપરટેન્શન, કિડની અને હદયની અન્ય બીમારી પણ હતી. ત્રણ વર્ષ પહેલા બાયપાસ સર્જરી પણ કરાઇ હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ૨૦ લાખ કરોડના પકેજની બપોરે ૪ વાગ્યે  જાહેરાત બાદ અમલીકરણ ગુજરાતમાં ઝડપથી કેવી રીતે થઇ શકે અને તેનો લાભ ગુજરાતના અલગ અલગ વર્ગને, વેપારી, દુકાનદાર, ઉદ્યોગકારોને ખેડૂતોને આ પેકેજનો ઝડપથી લાભ લોકો સુધી પહોંચે એ માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં વેપાર રોજગાર સહિતના આર્થિક અને નાણકીય ક્ષેત્રે પુનઃ નિર્માણ માટે આ કમિટની રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે હસમુખ અઢિયા કામ કરશે. કમિટી દ્વારા એક મહિનામાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને કમિટી દ્વારા સૂચવવામાં આવેલી ભલામણોના આધારે સરકાર નિર્ણય કરશે.

(9:34 pm IST)