Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સાબરકાંઠાના શામળાજી હાઇવે ઉપર પગપાળા વતન જતા શ્રમિકોનો હંગામોઃ અરવલ્લીની સરહદ બંધ હોવાથી આક્રોશ ઠાલવ્‍યો

સાબરકાંઠા: હાલ પરપ્રાંતિય શ્રમિકો ચારેબાજુથી ભીંસમાં મૂકાયા છે. એક તરફ આવક બંધ થઈ છે, તો બીજી તરફ પોતાના વતન તરફ જવા નીકળેલા હજારો શ્રમિકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે. ત્યારે સાબરકાંઠાના શામળાજી હાઈવે પર રાજેન્દ્રનગર ચોકડી નજીક પગપાળા વતન જતા શ્રમિકોએ હંગામો કર્યો હતો. અમદાવાદ તરફથી હિંમતનગર થઈ ચાલતા જતા શ્રમિકો રેડ ઝોન અરવલ્લી જિલ્લા હદ સીલ હોઈ અટવાયા હતા. અટવાયેલા 200થી વધુ શ્રમિકોએ પગપાળા આગળ વધવાની જીદ સાથે હોબાળો મચાવ્યો હતો. બંને જિલ્લાની પોલીસ રાજેન્દ્રનગર નજીક મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો.

સાબરકાંઠામાં શામળાજી હાઈવે પર રાજેન્દ્રનગર ચોકડી નજીક પગપાળા વતન જતા શ્રમિકોએ હંગામો કર્યો હતો. અમદાવાદ તરફથી હિંમતનગર થઈ ચાલતા જતા શ્રમિકો પોતાના વતન જવા નીકળ્યા હતા. આવામાં વચ્ચે રેડ ઝોન અરવલ્લી જિલ્લો આવ્યો હતો. અહીં જિલ્લાની હદ સીલ હોઈ શ્રમિકો અટવાયા હતા. અટવાયેલા 200થી વધુ શ્રમિકોએ પગપાળા આગળ વધવાની જીદ ચાલુ જ રાખી હતી. સાથે જ શ્રમિકોએ હોબાળો પણ મચાવ્યો હતો.

બંને જિલ્લાની પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજેન્દ્રનગર નજીક પોલીસે લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. બેરોકટોક શ્રમિકો સાબરકાંઠામાંથી પસાર થયા બાદ અરવલ્લી સરહદે આવી પહોંચ્યા હતા. શ્રમિકોને અટકાવાતા રાજેન્દ્રનગર ચોકડી પર નેશનલ હાઈવેનો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

(5:19 pm IST)