Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનના સંકટથી ઘેરાયેલા લોકો ભકિત અને અધ્યાત્મ તરફ વળ્યા

ધંધા-રોજગાર વિનાના લોકોની ધીરજ હવે ખુટી રહી છે

અમદાવાદ,તા.૧૩: કોરોનાના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જનજીવન ખોરવાયું છે ત્યારે ઘરમાં રહીને લોકો કંટાળ્યા છે આ કપરી પરિસ્થિતિમાં કોઈ માર્ગ નહિ મળતાં લોકો હવે ભકિત અને આધ્યાત્મ માર્ગે વળ્યાં છે. ૬૦ ટકા જેટલા લોકોએ તેમની સવારની ભકિત અને પુજાપાઠનો સમય વધારી દીધો છે લોકો લોકડાઉન સમયમાં પુજા આરતી ધ્યાન અને યોગમાં વધુ સમય વિતાવતા થયા છે. લોકડાઉનને પગલે લોકોની જીવન શૈલીમાં બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે લોકો ટાઈમ પાસ કેવા માટે મનોરંજન મેળવવા નેટફ્લિકસ ટીવી સિરિયલ્સ અને મૂવી તેમજ ગેઇમ રમીને કંટાળો દૂર કરી રહ્યા છે છતાં અચાનક આવી પડેલી આ કપરી પરિસ્થિતિમાં હવે ફૂદરતમાં આસ્થા ધરાવતા થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે પહેલું લોકડાઉન ૨૧ દિવસનું હતું, બીજું લોકડાઉન ૧૯ દિવસનું હતું અને ત્રીજું જે અત્યારે ચાલી રહ્યું છે તે ૧૪ દિવસનું છે. ૧૭મી મે એ જયારે ત્રીજું લોકડાઉન પૂર્ણ થશે ત્યારે લોકો ૫૪ દિવસથી ઘરમાં રહ્યા હશે.

લોકડાઉનનાં કારણે ઘરોમાં પુરાઈ રહેલા લોકોની ધીરજ ખૂટી છે. ખાસ કરીને નાનાં મકાનોમાં જે પરિવારોનાં સભ્યોની સંખ્યા વધુ છે તેની સ્થિતિ ચિંતાજનક છે. પાન-માવા અને બીડીનાં વ્યસનીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે અને વ્યસનીઓ તમાકુ, બીડી તથા માવા (ફાકી) નહીં મળવાથી માનસિક સંતુલન ગુમાવી રહ્યાનું ચોકાવનારું તારણ નીકળ્યું છે. હજુ પણ આગામી માસમાં એક માસમાં બે ગ્રહણ આવે છે. જે નુકસાનીની અસરો લાવશે તેવી આગાહીના પગલે સોસાયટીઓમાં સાંજે આરતી સવારે ધૂન વિગેરેના કાર્યક્રમો પણ શરૂ થઇ ગયા છે. અત્યંત વ્યસ્તતાની વચ્ચે હવે અચાનક આવી પડેલી નવરાશે લોકોને કુદરત પાર આસ્થા ધરાવતા કરી દીધા છે.

(4:01 pm IST)