Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કરદાતાઓને રીટર્ન ભરવા માટે ઓકટોબર સુધીનો સમય આપવો જરૂરીઃ સી.એ. માટે પણ કસોટીકાળ

વેપારીઓ માટે જુના હિસાબોને લગતી કામગીરી સમયસર પૂરી કરી લેવી જરૂરી અને લાભદાયીઃ વેપાર-ઉદ્યોગ બંધ રહેવાથી ચાર્ટડ એકાઉન્ટને ઓછી ફી આપવા ગ્રાહકો પ્રેરાશે

રાજકોટ  : છેલ્લા ૧૦૦ વર્ષમાં કયારેય ન આવી હોય તેની કુદરતી આપતિ કોવીડ-ર૦૧૯ ના સ્વરૂપે વિશ્વમાં આવી છે. ઇતિહાસ જાણનારા તેને ૧૯૧૮-ર૦ દરમ્યાન આવેલ સ્પેનીશ ફલુના રોગચાળા સાથે સરખાવી રહ્યા છે. ત્યારે આપણને એક વિચાર આવે કે ૧૦૦ વર્ષમાં વિજ્ઞાન ટેકનોલોજી અને માનવજાતે આટલો બધો વિકાસ કર્યો તો પણ શું આપણે આવી જ લાચારી આજે પણ ભોગવવાની ?

કોવિડ-૧૯ ના અનેક નરસા પાસા છે. જેમાંના એકની ચર્ચા આજે આપણે કરવી છે. મે અને  જેમને પોતાનો ધંધો કે વ્યવસાય છે તે બધા એ- જયારથી કામ કરવાનું  શરૂ કર્યું ત્યારથી આજ સુધી અનેક વખત ધંધામાં કામગીરી હંગામી ધોરણે બંધ કરવી પડે તેવી ઘટનાઓ જોઇ છે.કયારેક  રમખાણ તો કયારેક કોઇ આંદોલન કયારેક ભુકંપ કયારેક યુદ્ધ. આવા અનેક પ્રસંગોએ ધંધા વ્યવસાય બંધ કરવા પડયા હોય તેવું બન્યું હતું પરંતુ આ બધી જ ઘટનાઓ કોઇ શહેર પ્રાંત કે દેશ પુરતી મર્યાદિત બનતી હતી. ગુજરાતમાં ભૂકંપ આવ્યો હોય તો ઓરિસ્સાના વેપારને ખાસ કાંઇ અસર ન થાય ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ઇરાનને કાંઇ ખબર પણ ન પડે.

ર૦ર૦માં પ્રથમ વખત એવું બન્યું છે કે વિશ્વના તમામ દેશો અને શહેરોના ગામડાઓને અને કસબાઓને લગભગ સરખી અસર થઇ છે. આવા સમયે આપણે ફરી ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આવી જાય તો આપણને વેપારી તરીકે અને આપના હિસાબો અને ટેકસની ચકાસણી તથા ચિંતા કરનાર સી.એ.ને શું અને કેવી અસર થઇ છે. અને થશે તેની ચર્ચા કરવી છે.

હિસાબો ઉપર અસર સામાન્ય રીતે દરેક નાના મધ્યમ કદનો  વેપાર કરનાર મિત્રો કાચો હિસાબ રોજેરોજ તૈયાર કરતા હોય છે અને દર ત્રણ મહિને જયારે આવકવેરાનો એડવાન્સ ટેકસ ભરવાનો  આવે ત્યારે નફા-નુકસાનનો અંદાજ તૈયાર કરતા હોય છે. પાકા હિસાબો તો માર્ચ માસમાં નાણાકીય વર્ષ પુરૂ થાય પછી જ મોટાભાગે તૈયાર થતા હોય છે.જે વેપારી મિત્રોને ઓડિટ ન આવતુ હોય તેમણે આવકવેરાનું રીર્ટન જુલાઇ માસના અંત પહેલા ભરી દેવું પડતું હોય છેહવે આ વર્ષે સંજોગોવસાત કોવિડ-૧૯ માર્ચ માસમાં જ ત્રાટકયો છે દેશભરમાં રપમી માર્ચથી લોકડાઉન છે અને હજી ઓછામાં ઓછો ૧૮મી મે સુધી તો રહેશે જ. તે પછી પણ કઇ રીતે કામકાજ ધીમે ધીમે શરૂ થશે તે બાબતે કોઇને સ્પષ્ટતા નથી.

આ સંજોગોમાં લગભગ તમામ વેપારીઓના પાકા હિસાબો લખવાના શરૂ પણ નહિ થયા હોય મારો અંદાજ  છે કે જુન માસની શરૂઆતથી આ પ્રક્રિયા શરૂ થશે અને સામાન્યતા આ પ્રક્રીયા દોઢ થી બે મહિના લેતી હોય છે. અને પછી તેમના સી.એ. અથવા ટેકસ પ્રેકટીશનર આવકવેરાનું રીટર્ન તૈયાર કરતા હોય છે.

આવા કરદાતાઓને રીટર્ન ભરવા માટે સપ્ટેમ્બર - ઓકટોબર સુધીનો સમય જોઇએ તેવી માંગ આગામી દિવસોમાં લોકડાઉન દેશભરમાં ખુલે પછી વેપારી મંડળો અને અન્ય સંસ્થાઓ કરશે એવો મારો અંદાજ છે.  જેમને ઓડિટ કરાવવાનું હોય છે તેવા કરદાતાઓએ સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં રીટર્ન ભરવાનું હોય છે તે કરદાતાઓ દ્વારા ડીસેમ્બર સુધી સમય લંબાવાય તેવી માગણી થશે તેવો અંદાજ છે.

ચિંતા આગળની છે

હવે આમાં સવાલ માત્ર સમય લંબાવવાનો નથી. અત્યારે દરેક કરદાતાના મગજમાં ગયા વર્ષના હિસાબો તૈયાર કરવાનો વિષય છે નહિ. સહુને ચિંતા છે તેમના વેપાર-ધંધાના ભવિષ્યની અને કેટલાક ધંધાદારીઓન ચિંતા છે તેમના ધંધાના અસ્તિત્વની ઉદાહરણ તરીકે રેસ્ટોરન્ટ, સિનેમાં, ટ્રાવલ એજન્ટ, એરલાઇન, અને અવા અનેક ધંધા કોવિડ પછી કઇ રીતે ચાલશે, તેમાં શું પરિવર્તન આવી શકે છે તેની ચિંતા જે તે ધંધો કરનારને હોય. હવ આવા સમયે ગયા વર્ષના હિસાબો તૈયાર કરી આવકવેરો તથા તેનું રીટર્ન ભરવાની બાબત તેમના માટે અત્યારે મહત્વની ન જ હોય.

આ સંજોગોમાં સરકાર દ્વારા પણ ખુબ હકારાત્મક વલણ અપનાવાય તેવો શકયતાઓ છે. એક તરફ સરકાર આર્થિક પેકેજ  આપીને ધંધા વ્યવસાયને બેઠા થવામાં મદદ કરશે અને સાથે સાથે આવકવેરો, જી. એસ. ટી. વિ.ના રીટર્ન વિ.ની બાબતે પણ સરકાર સંવેદનશીલ વલણ અપનાવશે તેવો સહુને વિશ્વાસ છે. સરકાર દ્વારા વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે નાના અને લઘુ વ્યવસાયિકો અને વેપારીઓએ ભારતના અર્થતંત્રનું એક ખુબ મહત્વનું અંગ છે અને તેમના હિતની રક્ષા કરવા સરકાર કટીબધ્ધ છે. આ કટીબધ્ધતામાં હિસાબો અને વેરાના રિટર્ન વિ. ની પ્રક્રિયામાં છૂટછાટ પણ આવી જ જશે તે સ્વાભાવિક છે.

આ કામ પણ  મહત્વનું જ છે

એક વાર લોકડાઉન ખુલશે અને સ્થિતિ સામાન્ય થવા લાગશે પછી તમામ વેપાર ઉદ્યોગો દ્વાર તેમના ધંધાને લગતી છૂટછાટોની માગણીઓ રજૂ થશે અને સરકાર તેનો અભ્યાસ કરી પગલા લેશે. પરંતુ એક સી.એ. તરીકે મારૂ એવું માનવું છે કે આગળની ચિંતા થાય તે સ્વભાવિક છે, અને તે બાબતે દરેક વેપારી પુરેપુરૃં ધ્યાન કેન્દ્રિત કરે, પરંતુ સાથે સાથે ગત વર્ષના હિસાબો,ઙ્ગઓડીટ, આવકવેરા તથા જી.એસ.ટી.ના રિર્ટન પણ એટલા જ મહત્વના છે. એટલે એનાં તરફ ધ્યાન ન આપીને આપણે આપણી જ મુશ્કેલીઓ વધારીએ તેવું ન થાય તેની કાળજી રાખીએ અત્યારે આ વાત નાની લાગી શકે છે પણ આગળ જતાં તેનો ઉપેક્ષા આપણો તનાવ વધારી શકે છે અને આર્થિક નુકશાન પણ ભોગવવું પડે તેવું બને.

આમ વેપારી મિત્રો માટે જુના હિસાબો તૈયાર કરવા ઓડિટ કરાવવું અને સમયસર રિર્ટનો ભરવા એ એક આવશ્યક તકલીફ બની શકે પણ તેમ કરવું જ લાભદાયી રહેશે.

સી.એ. મિત્રોના વ્યવસાય ને કોવિડની અસર થશે સી.એ.નો વ્યવસાય ખુબ શાંત અને ધૈર્ય રાખનાર વ્યવસાયિકો જ કરતા હોય છે. વેપારી મિત્રોને તેમની કરવેરાની અને હિસાબોની તમામ સમસ્યાઓનું સમાધાન કરી આપનાર આ વ્યવસાયિકોને અત્યારે પોતાની અનેક સમસ્યાઓ છે.

સૌ પ્રથમ તો એક સરેરાશ પ્રેકટીસ ધરાવતા સીએ માટે મોટામાં મોટો ખર્ચ સ્ટાફના પગારનો હોય છે. (કુલ ખર્ચના ૬૦ ટકા જેટલો આ ખર્ચ થતો હોય છે.) બે માસ કે તેથી વધુ સમય માટે લોકડાઉનમાં આ ખર્ચ કદાચ થોડો ઓછો થઇ શકે પણ દરેક સી.એ. ને આ લોકડાઉનમાં એક પૈસાની પણ વ્યવસાયિક પ્રવૃતિ કર્યા વગર આ ખર્ચ ભોગવવાનો આવશે. કેટલાય સીએ માટે આ એક એવી સમસ્યા બની શકે છે જે તેમને કદાચ જીવનમાં પ્રથમ વખત દેવું કરવાની ફરજ પાડે.

અને આ વાત આખા દેશમાં છે સાથે સાથે એ વાત પણ છે કે દરેક સી.એ.ની પેઢી ઓડિટ શિખવા આવતા આર્ટીકલ કલાર્ક-વિદ્યાર્થીઓની ઉપર પણ પોતાના કામ પુરા કરવા માટે આધાર રાખતી હોય છે. આ વખતે મે મહિનામાં થનાર સી.એ.ની પરિક્ષા જુલાઇમાં થશે, અને તેથી સામાન્ય રીતે મે માસમાં પરિક્ષા આપીને આવી જનાર વિદ્યાર્થીઓ જયારે કામ હશે ત્યારે જ ઓફિસમાં નહિં હોય આ પણ અંતે તો ખર્ચ અને મુશ્કેલીઓ જ વધારશે.

આમ આ વર્ષ ખરેખર તો સી.એ.ની પેઢીઓ માટે ખરેખર કસોટીનું વર્ષ બની રહેશે. ખર્ચ વધશે. આવક વધારવી કઠિન રહેશે અને કાયમી ગ્રાહકો પણ પોતાના ધંધા ઘટવાની વાત કરીને ફી ઘટાડવાની વાત કરે તેવી શકયતા છે. સાથે સાથે સારી બાબત એ છે કે જયારે પણ આવું થાય છે ત્યારે ધંધાની નવી તકો પણ ઉભી થઇ જતી હોય છે એવું મેં મારા ૩પ વર્ષના અનુભવમાં જોયું છે. અને બીજી બાબત એ પણ છે કે ભારતના અને ખાસ કરીને ગુજરાતના સી.એ. ખુબ જ કાબેલ છે અને તેઓ નવી વ્યવસાયિક તકો સતત શોધી કાઢતા જ હોય છે. તેમની આ ક્ષમતાની ર૦ર૦માં ખરેખરી કસોટી છે. આશા છે તેઓ ઝળહળતી સફળતા મેળવશે જ.

-યમલ વ્યાસ

જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ મો.૯૮રપ૩ ૧૧૭૭૭ અમદાવાદ

(3:08 pm IST)