Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગુજરાતથી યુપી જતા મજૂરોના ટ્રકને અકસ્માત : એક મહિલા અને બાળકનું કરૂણમોત : 60 ઘાયલ

કાનપુર ગ્રામ્ય વિસ્તારનાં અકબરપુર કોતવાલી વિસ્તારનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત

કાનપુર : પરપ્રાંતિય મજૂરો ગુજરાતથી યુપી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન, કામદારોથી ભરેલા ડીસીએમએ એક ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલા અને બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે 60 અન્ય ઘાયલ થયા છે. ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યુ છે. કાનપુર ગ્રામ્ય વિસ્તારનાં અકબરપુર કોતવાલી વિસ્તારનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો.

  અકસ્માતની જાણ થતાં જ એડિશનલ એસપી અનુપ કુમાર સાથે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી, તમામ ઇજાગ્રસ્તોને ગ્રામજનો અને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આટલી મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. ઘણા દર્દીઓ ઇમરજન્સી ગેટ પર પડેલા છે, જેમને હજુ સુધી કોઈ સારવાર આપવામાં આવી નથી. બીજી તરફ, મોટી દુર્ઘટના બાદ પણ જિલ્લા વહીવટી તંત્રનો કોઈ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યો નથી.

ઘટના સ્થળે પહોંચેલા એડિશનલ એસપીએ જણાવ્યું હતું કે, ડીસીએમની ઉભે રહેલી ટ્રક સાથે ટક્કર થઇ હતી, જેના કારણે દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્યની હાલત ગંભીર છે. પોલીસ દળ સ્થળ પર છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયા છે

(1:38 pm IST)