Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

SVPમાં પીપીઈ કિટ ન મળતાં ડોક્ટર-નર્સિંગ સ્ટાફની હડતાળ

હોસ્પિટલ સત્તાધીશોએ પગલાં લેતાં હડતાળ સમેટાઇ : એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિત સત્તાધીશોએ સમજાવટ બાદ મામલો થાળે પાડયો

અમદાવાદ,તા.૧૨ :  કોરોના વાયરસની સારવાર માટે અમદાવાદ શહેરમાં અત્યારે મુખ્ય અને મહ્ત્વની મનાતી એસવીપી હોસ્પિટલમાં જ રેસિડેન્ટ ડોકટરો અને નર્સિંગ સ્ટાફને પૂરતા પ્રમાણમાં પીપીઇ કીટ નહી અપાતાં આ સ્ટાફમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ હતી અને તેના વિરોધમાં આજે એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો-નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.

       જેને લઇ ભારે વિવાદ સર્જાયો હતો. જો કે, એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને ર્નસિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા ગયા હતા. ઉપરી અધિકારીના આશ્વાસન અને સમજાવટ બાદ તમામ રેસિડેન્ટ ડોકટરોએ હડતાલ સમેટી લીધી છે. એસવીપી હોસ્પિટલના અધિકારીના મુજબ પીપીઇ કીટ પૂરતા પ્રમાણમાં છે અને એન ૯૫  માસ્ક પણ આપવામાં આવ્યા છે. ભારે સમજાવટ બાદ હડતાળ સમેટાઇ ગઇ છે. કોરોના મહામારી સામે દિવસ-રાત કોરોના સામે લડી રહેલા એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઘણા દિવસથી અપૂરતી પીપીઈ કીટ મામલે રોષ પ્રગટ કરી રહ્યા હતા. આખરે આ મામલો આજે વણસતા મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો.

      આ અંગે હોસ્પિટલના સત્તાવાર સૂત્રો કોઈ જવાબ નથી આપી રહ્યા પરંતુ પીપીઈ કીટ મામલે જ આ હડતાળ હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને ર્નસિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા દોડી ગયા હતા. શહેરમાં કોવિડની સારવાર સિવિલ અને એસવીપીમાં થાય છે. શહેરમાં કુલ ૪૦૦ દર્દીના મોત થયા છે. જેમાં ૨૫૦થી વધુ મોત માત્ર સિવિલમાં જયારે ૯૬ મોત એસવીપી થયા છે. અન્ય મોત સોલા સિવિલ, ગુજરાત કેન્સર સોસાયટી, નારાયણી સહિતની ખાનગી હોસ્પિટલોમાં થયા છે.,

       ત્યારે એસવીપી હોસ્પિટલમાં ખુદ રેસિડેન્ટ ડોકટરો અને નર્સિંગ સ્ટાફને પીપીઇ કીટ પૂરી ના પડાય તે બહુ ગંભીર વાત કહી શકાય. સત્તાવાળાઓને તેમની માંગ સંતોષી હડતાળ સમેટાવવવાના પ્રયાસો તેજ બનાવ્યા હતા અને તેમને પીપીઇ કીટ તેમ જ એન૯૫માસ્ક પૂરા પાડવાના પગલાં લઇ ભારે સમજાવટ બાદ આખરે હડતાળને સમેટાઇ લેવડાવી હતી.

(10:17 pm IST)