Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અમદાવાદ : તાપમાન વધતા યલો એલર્ટ જાહેર કરી દેવાયું

ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી : એકબાજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા ઝાપટાની વકી : અન્યત્ર ગરમીનું પ્રમાણ વધી ગયું

અમદાવાદ,તા.૧૩ : અમદાવાદ શહેરમાં વધતા તાપમાન વચ્ચે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેથી તંત્ર ફરી એકવાર સક્રિય થઇ ગયું છે. મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૮ સુધી પહોંચ્યું હતું જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૪૨થી ઉપર પહોંચી ગયો તો જેમાં પાટનગર ગાંધીનગરમાં પારો ૪૨, સુરેન્દ્રનગરમાં ૪૨, રાજકોટમાં ૪૨.૩ સુધી પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદ માટેની આગાહીમાં પારો ૪૧ દર્શાવવામાં આવ્યો છે. હિટવેવની કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છમાં પવન ફુંકાવવાની શક્યતા દેખાઈ રહી છે. ૩૦-૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદી ઝાપટા ઉત્તર ગુજરાતમાં થઇ શકે છે. હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. યલો એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેટલીક સલાહ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગઇકાલે હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક અન્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ થયો હતો. હવામાનમાં એકાએક પલટો આવતા ધુળ ભરેલ આંધી પણ ચાલ હતી. જોકે, ગુજરાતમાં કેટલાક ભાગોમાં પારો ફરી વધી ગયો હતો. ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે રાજકોટમાં થયો હતો જ્યાં મહત્તમ તાપમાન ૪૨.૩ ડિગ્રી પહોંચ્યો હતો. આજે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૨ રહ્યો હતો. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ બદલાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૩ : ગુજરાતમાં ક્યાં કેટલું મહત્તમ તાપમાનમાં નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૪૧.૮

ડિસા............................................................ ૩૯.૬

ગાંધીનગર...................................................... ૪૨

વડોદરા....................................................... ૪૦.૬

સુરત........................................................... ૩૪.૨

અમરેલી...................................................... ૪૧.૮

ભાવનગર.................................................... ૩૮.૪

રાજકોટ....................................................... ૪૨.૩

વલસાડ....................................................... ૩૨.૯

સુરેન્દ્રનગર...................................................... ૪૨

પોરબંદર..................................................... ૩૨.૭

કંડલા એરપોર્ટ............................................. ૪૦.૨

ભુજ............................................................. ૩૮.૬

વીવી નગર.................................................. ૩૯.૮

નલિયા........................................................ ૩૪.૪

(9:12 pm IST)