Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વડોદરાની મહીસાગર નદી ઉપર જળસંકટ સર્જાતા ખેડૂતોમાં ભારે ચિંતા

મહીસાગર :વડોદરાની મહીસાગર નદી પર જળ સંકટ આવતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે ઓળખાતી નદીનું જળસ્તર ખૂબ ઘટી જવાથી બે હજાર પશુ પાલકો અને 400 વિઘા જમીનના ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. નદી વિસ્તારના ગામડાઓ નદીના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે, પરંતુ હવે નદીમાં પાણી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

મધ્ય ગુજરાતમાં મહીસાગર નદીને લોકો લોકમાતા તરીકે પૂજે છે અને આ નદી વડોદરા જિલ્લાની જીવાદોરી પણ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નદીનું જળસ્તર ખૂબ નીચું જવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો પોતાની ખેતી કરવા માટે આ નદીનું પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ દિવસે દિવસે નદીના જળસ્તરમાં બહોળા પ્રમાણમાં ઘટાડો થતા ખેડૂતોને તેમના ઉભા પાકની ચિંતા સતાવી રહી છે, જેથી તેમને નુકશાન પણ થઈ રહ્યું છે. ઉનાળામાં કરેલ બાજરીનો પાક ઉભો નિષફળ થઈ રહ્યો છે, પરંતુ પાણી ન છોડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, દાયકામાં પહેલી વાર નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. આખે આખી નદી એક રણની જેમ સૂકી ભટ્ટ થઈ જઈ રહી છે. નદીમાં પાણી માત્ર એક રેલા સમાન વહી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના 2000 જેટલા પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા મુશ્કેલી પડી રહી છે.

આ સમસ્યાને પગલે 400 વીઘાથી વધુ જમીનમાં ખેતી કરતા ખેડૂતો મહીસાગર નદી ખાતે એકત્રિત થયા હતા અને ભેગા મળીને સમસ્યા નો ઉકેલ આવે અને તંત્ર વહેલી તકે નદીમાં પાણી છોડે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહિ આવે તો તેમણે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, મહીસાગર નદી પ્રત્યે આસપાસના વિસ્તારના લોકોની મોટી આસ્થા રહેલી છે. અનેક ધાર્મિક પ્રસંગોમાં લોકો અહી પૂજા કરવા આવે છે. અમાસ દરમિયાન નદીમાં આવતી ભરતીના કારણે નદીમાં ખારું પાણી આવવાથી તે પણ પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.

(5:31 pm IST)