Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કરોડો રૂપિયાનું રિફંડ પેન્ડિંગઃ હીરા ઉદ્યોગ પડી ભાંગવાના આરે

જીએસટી એડવાઈઝરીમાં પ્રશ્નો ચર્ચાયા, ધંધો કઈ રીતે કરવો ? : વેપારીઓનો બળાપો

અમદાવાદ, તા. ૧૩ :. જીએસટી અમલી બન્યા પછી વિવિધ મુદ્દે મુશ્કેલી અનુભવી રહેલો હીરા ઉદ્યોગ અત્યારે ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચરના કારણે જમા થયેલા અને પડી રહેલા કરોડો રૂપિયાની જીએસટી ક્રેડિટ અને છૂટા નહીં થઈ રહેલા કરોડોના રિફંડના કારણે પડી ભાંગવાના આરે જઈ રહ્યો છે. હીરા ઉદ્યોગની વર્કિંગ કેપીટલ જામ થઈ જવાથી જીએસટી કાઉન્સીલ સમક્ષ હવે રજુઆતો થઈ રહી છે. અનેક પ્રશ્નોનો સામનો કરી રહેલો હીરા ઉદ્યોગ હવે વર્કિંગ કેપીટલના અભાવે વધુ મુશ્કેલીમાં પડતા છેલ્લે તમામ ભાર રત્ન કલાકારોની રોજગારી પર પડવાની શકયતા છે.

સુરત ડાયમંડ એસોસીએશન ખાતે રાજ્યભરની ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્થાઓના અગ્રણીઓની તાજેતરમાં એક બેઠક મળી હતી. રાજ્ય સ્તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનની રચના કરવાનું ૮ વર્ષ બાદ ફરી એક વખત નક્કી કરવામાં આવ્યુ છે. વેપારીઓ દ્વારા એક જુટ થઈને સરકારમાં રજુઆત થઈ શકે તે માટે ફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. ૨૦૦૧થી અત્યાર સુધી હીરા ઉદ્યોગના વેપારીઓનું કોઈ સંગઠન બનવા દેવામાં આવ્યું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં ઉઠમણાનું પ્રમાણ વધ્યુ છે. આ ઉપરાંત એન્ટવર્પ, મુંબઈ સહિત વૈશ્વિક બજારમાં પણ હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. સમગ્ર હીરા ઉદ્યોગમાં આર્થિક વાતાવરણ ખરાબ થઈ રહ્યુ છે. બીજી તરફ સિન્થેટિક ડાયમંડ બજારમાં મોટી ડાયમંડ માઈનિંગ કંપનીઓએ પ્રવેશ કરતા રિયલ ડાયમંડમાં ભેળસેળ થઈ શકે છે. યુ.એસ. ટ્રેડ કાઉન્સિલે સિન્થેટિક અને રિયલ માટે એક જ શબ્દ ઉચ્ચારવા ભલામણ કરી છે, જે મોટી મુશ્કેલી છે, જેનો કોઈ ઉકેલ હજુ આવ્યો નથી. જીએસટીના કારણે સ્થાનિક હીરા ઉદ્યોગકારોનું કરોડો રૂપિયાનું રિફંડ અટકી પડયું છે. હીરા ઉદ્યોગની એક ડઝનથી વધુ સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. આ બધા પ્રશ્નોના નિકાલ માટે આ સંસ્થા કામ કરશે તેવું અમદાવાદના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાને જણાવ્યું હતું. હાલ જીએસટીના રિફંડ, વેપારી પેઢીઓના ઉઠમણા અને સિન્થેટિક ડાયમંડની ભેળસેળની સમસ્યાથી પીડાઈ રહેલા હીરા ઉદ્યોગની મજબુત રજૂઆત કરી શકે એવુ રાજ્ય સ્તરનું કોઈ સંગઠન નહીં હોય ફરી એકવાર ગુજરાત ડાયમંડ ફેડરેશનની રચના કરવાની હિલચાલ શરૂ થઈ છે.(૨-૧૬)

 

(3:30 pm IST)