Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

હિંમતનગરમાં યોજાયાં અનોખાં લગ્ન

જાન રવાના થઇ, પણ કન્યાને લેવા નહીં, દીકરાને ખુશ કરવા

માનસિક વિકલાંગ અજય બારોટને રાજી રાખવા મમ્મી-પપ્પાએ લગ્નની બધી વિધિ કરી, પણ માત્ર કન્યાની જગ્યા ખાલી રાખી

હિંમતનગર તા. ૧૩ :.. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ચાંપલાનાર ગામમાં રહેતા અજય બારોટનાં લગ્નનો શનિવારે વરઘોડો નીકળ્યો હતો અને મસ્તમજાનો ૧પ૦ માણસોનો જમણવાર પણ થયો હતો. ફેરા ફરવામાં આવ્યા હતા અને સામૈયું પણ થયું હતું. પરંતુ આ બધામાં એક કન્યાની કમી હતી. વરરાજા હતા, પણ વધૂ નહોતી. આનું કારણ ઇમોશનલ છે. અજય બારોટના પપ્પા વિષ્ણુભાઇ બારોટ કહે છે,  'કુટુંબનાં સગાંવહાલાંઓનાં દીકરા-દીકરીઓનાં લગ્ન  જોઇને અજયને પણ લગ્ન કરવાનું બહુમાન થતું હતું, પણ તેની માનસિક હાલત નબળી છે એટલે તેને કોઇ દીકરી આપે નહીં અને ધારો કે આપે તો પણ આપણે કોઇનો સંસાર ખરાબ કરવો ન જોઇએ એવું ધારીને અજયને રાજી રાખવા અમે કન્યા વિનાનાં આ લગ્નનું આયોજન કર્યુ હતું અને એમાં અમારા બધાં સગાંવહાલાંઓને પણ બોલાવ્યા અને અજયને રાજી રાખવા બધી વિધી પણ કરી. જમણવાર વખતે ચાંદલો લખાવવાનું કામ પણ અમે કર્યુ.'

અજયના વરઘોડામાં તેનાં ભાઇ-બહેન નાચ્યાં પણ ખરાં અને અજયના પપ્પા વિષ્ણુભાઇ તથા મમ્મી રાધાબહેને પણ મન મૂકીને નાચીને અજયને લગ્નનો આનંદ લેવડાવ્યો. મજાની વાત એ છેકે એ અજયની બીજી મમ્મી છે, પણ અજયની ખુશી માટે તેની આ બીજી મમ્મીએ જ તેના પપ્પાને તૈયાર કર્યા અને લગ્નમાં બે લાખ રૂપિયાથી વધારે ખર્ચ પણ કર્યો. અજયની મમ્મીએ કહયું, 'ઇશ્વર આવું દુઃખ કોઇને ન આપે અને જેના નસીબમાં આવું દુઃખ હોય તેને એ સહન કરવાની ક્ષમતા આપે. અજય પોતાનાં જ લગ્નમાં રડી પડયો, પણ અમને ખુશી એ વાતની છે કે તે રાજી થઇને રડયો હતો. ' (પ-૧ર)

(11:44 am IST)