Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતમાં કોવિડ હૉસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા

માથું ફાટી જાય તેવી દુર્ગંધથી દર્દીઓ ત્રાહીમામ : હૉસ્પિટલના ટોઇલેટ-બાથરૂમમાં પાણી ન આવતું હોવાથી બાથરૂમ અને કુદરતી હાજતે જવું દર્દીઓ માટે દુષ્કર બન્યું

સુરત,તા.૧૩ : સુરતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણનાં પગલે હૉસ્પિટલો ઉભરાઈ રહી છે. દર્દીઓને દાખલ કરવા માટે લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. જોકે, વધી રહેલા સંક્રમણ સાથે સુરતની કોવિડ હૉસ્પિટલમાં ગંદકીનાં દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ટોઇલેટ-બાથરૂમમાં પાણી ન આવતા દર્દીઓની હાલત બદતર બની છે. આ અંગેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેને લઈને સુરતની સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ આ કોવિડ હૉસ્પિટલમાં ગંદકીનાં દ્રશ્યો સામે આવ્યા છે. તંત્રની લાપરવાહીથી ફેલાયેલી ગંદકીને લઈ દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે. ટોઇલેટ-બાથરૂમમાં પાણી ન આવતું હોવાથી બાથરૂમ અને કુદરતી હાજતે જવું પણ દર્દીઓ માટે દુષ્કર બન્યું છે.

હૉસ્પિટલના છઠ્ઠા માળે સર્જાયેલી પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતાં દર્દીઓએ વીડિયો ઉતારીને તંત્રની ઉણપને સુધારવા પ્રયત્ન કર્યો છે. જોકે, તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા પર ધ્યાન ન આપવામાં આવતાં સારવાર લેતા દર્દીઓ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ સામે આવ્યી રહી છે. એક જાગૃત નાગરિકએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી કોવિડ-૧૯ના છઠ્ઠા માળના ડી વિગના બાથરૂમમાં પાણી નથી આવતું. જ્યાં જુઓ ત્યાં કુદરતી હાજતના ઢગલા વચ્ચે લઘુશંકા કરવા માટે જવા દર્દીઓ મજબૂર બન્યા છે. એટલું જ નહીં, આવી અતિશય દુર્ગંધ વચ્ચે સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત બદથી બદતર બની રહી છે. જાગૃતિ નાગરિકે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર બહારથી દેખાવો કરી રહી છે.

અહીંયા વોર્ડમાં આવીને જુએ તો ખબર પડે કે, દર્દીઓ કેવી અને કઈ હાલતમાં સારવાર લઈ રહ્યા છે. આના કરતાં તો જાહેર શૌચાલય સારી હાલતમાં હોય. અમે આમાં કેમ સારવાર લઈ રહ્યા છીએ? ભગવાન મોત કેમ નથી આપી દેતો તેવા વિચારો આવી રહ્યાં છે. ગંદકી મામલે મેનેજમેન્ટ આંખ આડા કાન કરી રહ્યું હોવાનો હાલ સારવાર લઈ રહેલા દર્દીઓએ આક્ષેપ કર્યો હતો. આવી હાલતથી દર્દીએ જમીન પર કુદરતી હાજત કરવા જવા મજબૂર બન્યા છે. તંત્ર તરફથી કોઈ પગલાં ન લેવામાં આવતા દર્દીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

(9:44 pm IST)