Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા ડીસા શહેર પોલીસ દ્વારા ટોઇંગ ક્રેનથી અડચણરૂપ વાહનો જપ્ત કરી દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી

બનાસકાંઠા:જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં રોજેરોજ સર્જાતા કલાકો સુધીના ટ્રાફિકના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોજેરોજ ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસાની બજારોમાં વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાકગને કારણે કલાકો સુધી અન્ય વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હોય છે. ડીસાને બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક માનવામાં આવે છે.

જેના કારણે રોજેરોજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ડીસા આવતા હોય છે ત્યારે તેમની વધતી જતી અવર જવરના કારણે ડીસા શહેરમાં રોજેરોજ ટ્રાફિક સર્જાતું હોય છે. જેથી બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસા શહેરમાં ટ્રાફિક હળવો થાય તે માટે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા ગેરકાયદેસર વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. ત્યારે ડીસા ખાતે જિલ્લા પોલીસ દ્વારા ટોઈંગ ક્રેન ફાળવવામાં આવી હતી. જેનું ડીસાના ડીવાયએસપી ડો. કુશલ ઓજા દ્વારા લીલી ઝંડી આપી ટોઈંગ ક્રેનને પ્રસ્થાન કરાવી હતી.

(5:33 pm IST)