Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોના સંક્રમણ સતત વધતા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કાલથી ૩૦મી સુધી દર્શન, ઉતારા અને ભોજનાલય બંધ

અમદાવાદ: ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહેલા જીવલેણ કોરોના વાઈરસે એક વખત ફરીથી લોકોની આસ્થા પર અસર કરવાનું શરૂ કરી દીધુ છે. કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ફરીથી એક વખત રાજ્યના મુખ્ય મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ થવા લાગ્યાં છે. જે અંતર્ગત વડતાલ સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટ દ્વારા દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, આવતીકાલે તારીખ 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી મંદિરમાં દર્શન, ઉતારા અને ભોજનાલય વગેરે તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે. વડતાલની સાથે સારંગપુર, કુંડળ, સુરત, ભરુચ અને વડોદરામાં આવેલા મંદિરોમાં પણ દર્શન સહિત તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે.

જો કે આ દરમિયાન શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન અને કથાનો લાભ લઈ શકશે. મેનેજમેન્ટ તરફથી ભક્તોને સરકારની કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા, માસ્ક, સેનેટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ હોવા છતાં લોકો માતાજીના મંદિરોમાં રૂબરૂ જઈને દર્શન નહીં કરી શકે, કારણ કે કોરોનાના કારણે અનેક મંદિરો બંધ રહેશે. કેટલાક મંદિરો 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યા છે, તો અનેક મંદિરને ટ્રસ્ટોએ આગામી આદેશ જાહેર ના થાય ત્યાં સુધી પ્રવેશ પર રોક લગાવી છે.

જેમાં દ્વારકાનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય રાજકોટના વીરપુરનુ પ્રસિદ્ધ જલારામ મંદિર અને ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. જ્યારે ભાવનગર જિલ્લાના મહુવાના બગદાણામાં આવેલ બાપારામ સીતારામ ગુરુ આશ્રમ આગામી આદેશ જાહેર ના થાય, ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જો કે આ દરમિયાન મંદિરોમાં પૂજા-પાઠ રાબેતા મુજબ થતા રહેશે. ભક્તો રૂબરુ દર્શનનો લાભ નહીં લઈ શકે, પરંતુ ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી યુ-ટ્યૂબ કે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(5:25 pm IST)