Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદની જેલમાં રહીને ગોવા રબારી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું ખુલ્‍યુઃ 1 કરોડની ખંડણી પ્રકરણમાં મુખ્‍ય આરોપી સંજય દેસાઇની ધરપકડ

અમદાવાદ: જેલમાં રહી ગોવા રબારી ખંડણીના નેટવર્ક ચલાવતો હોવાની શંકા સામે આવી છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. જે ગુનામા ક્રાઈમ બ્રાંચે વધુ એક મુખ્ય આરોપી સંજય દેસાઈની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, સંજય પાસેથી 5 હથિયાર અને 52 કારતુસ પણ મળી આવ્યા છે. આ જમીન દલાલનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી ગુનામાં અગાઉ 5 લોકોની ધરપકડ થઈ ગઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કરી તેની પાસેથી 14 લાખની સોનાની ચેઇનની લૂંટ અને 1 કરોડની ખંડણી માંગવાના કેસમાં વધુ 1 આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યુ હતુ. અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. આરોપીએ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગમાં મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવી રહ્યું છે. લુંટ,ખંડણી અને ધમકીના ગુનામા ભલે 10 આરોપી સંડોવાયેલા હોય. પરંતુ ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાની શકયતા છે. કારણ કે લુંટાયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે, ગોવા રબારીએ જ સાગરીતોને કીધું હતું કે મારી પત્નીને સોનાની ચેઇન આપી દેજો. ક્રાઈમ બ્રાન્ચે સંજય દેસાઈની ધરપકડ કરી છે, તેની પાસેથી હથિયારનો જથ્થો કબ્જે કરેલો છે. જેમાં 5 હથિયાર અને 52 કારતુસ કબ્જે કરવામાં આવ્યા છે. સંજય દેસાઈ ગોવા રબારી નો ખાસ સાગરીત છે અને આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ કરવામાં આવી  રહી છે. આ હથિયારથી તેને કોઈ ગુનાઓ ને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે.

(4:41 pm IST)