Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદની સોલા સિવિલમાં કોરોના દર્દીનું મોત થતા 3 શખ્‍સોએ હોસ્‍પિટલમાં તોડફોડ કરીઃ સીસીટીવી ફુટેજના આધારે ધરપકડ

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ સાથે માથાકૂટ કરનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ સોલા પોલીસે ફરિયાદ નોંધી છે. આ શખ્સો કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીના મોતને પગલે હોસ્પિટલમાં તોડફોડ કરી આતંક મચાવનાર શખ્સોના CCTV ફૂટેજમાં પણ સામે આવ્યા છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

CCTV ફુટેજમાં જોવા મળ્યું હતું કે, ટોળાએ મોડી રાત્રે સોલા સિવિલ હોસ્પિટલમાં આતંક મચાવ્યો. કોમ્પ્યુટર ,સીપીયુ અને નર્સિંગ સ્ટાફ જોડે ગેરવર્તન કરીને અફરા તફરીનો માહોલ સર્જ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં  કોરોના પેશન્ટની સારવાર દરમિયાન ત્રણેક જેટલા શખ્સોએ નર્સિંગ સ્ટાફ સાથે માથાકૂટ પણ કરી હતી. જેને પગલે નર્સિંગ સ્ટાફે બનાવ અંગેની જાણ પોલીસને કરતા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય શખ્સો અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી છે. તેમના પરિવારજનની એક મહિલા કોરોનાની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. જેનું સારવાર દરમિયાન મોત થતા આક્રોશમાં આવી ગયેલા ત્રણ શખ્સોએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હંગામો કર્યો હતો. આરોપી ઉદય ઠાકોર, સાગર ઠાકોર અને જીતેન્દ્ર ઠાકોર CCTV ફુટેજમાં પણ તોડફોડ અને હંગામો મચાવતા દેખાઈ રહ્યા છે. જેને પગલે સિવિલ RMOએ ફરિયાદ નોંધાવી છે.

નર્સિંગ સ્ટાફ સાથે બનેલી આ ઘટનાને પગલે સોલા સિવિલ ખાતે નર્સો દ્વારા કાળી પટ્ટી બાંધી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા કરવામાં આવતા હુમલાના સંદર્ભે રજુઆત પણ કરવામાં આવી ત્યારે બીજી તરફ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નદી હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(4:40 pm IST)